સ્ટાફ, દવા, લેબ બધું છે, પણ વિથોણનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબ નથી

સ્ટાફ, દવા, લેબ બધું છે, પણ વિથોણનાં   પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબ નથી
વિથોણ (તા. નખત્રાણા), તા. 20 : અહીંનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તબીબ વિના સૂમસામ બન્યું છે. આમ તો 15 ગામના દર્દીઓ માટે વિથોણનું આરોગ્ય કેન્દ્ર રણમાં મીઠી વીરડી સમાન હતું. બે વર્ષ પૂર્વે અહીં એમ.બી.બી.એસ. તબીબ હોવાથી દવાખાનું ધમધમતું હતું પરંતુ કોઈ કારણોસર તબીબને બદલવામાં આવ્યા ત્યારથી આરોગ્ય કેન્દ્રમાં કોઈ તબીબ નથી મુકાયા અને આવવા ઈચ્છા દર્શાવતા નથી. જેનાં કારણે અંતરિયાળ વિસ્તારના ગામોમાંથી આવતા દર્દીઓને નિરાશા હાથ લાગે છે અને નાછૂટકે ખાનગી તબીબની સેવા લેવી પડે છે. આ બાબતે તાલુકા અને જિલ્લા ઉપરાંત ધારાસભ્ય અને સંસદસભ્ય સુધી ધા પહોંચાડી છે. પરંતુ વિથોણના પી.એચ.સી.ને તબીબ ન મળવાનું ગ્રહણ લાગ્યું હોય તેવું દેખાય છે. દવાખાનાની હાલત નાવિક વિનાના વહાણ જેવી છે. સ્ટાફ પૂરતો છે, દવાઓ છે, પરીક્ષણની સુવિધા છે પણ પછી દવા કોણ આપે ? અહીં સારવાર માટે વિથોણ ઉપરાંત ધાવડા, દેવપર, મોરઝર, ભડલી, થરાવડા, કોટડા (થ), અધોછની, આણંદસર, આનંદનગર, લાખિયારવીરા, ચાવડકા વગેરે ગામના દર્દીઓ આવે છે પરંતુ નિ:સાસા નાખી ચાલ્યા જાય છે. જિલ્લા આરોગ્ય તંત્ર પાસે એક જ જવાબ છે અત્યારે ડોક્ટર નથી, જ્યારે આવશે ત્યારે મોકલશું. આ મુદ્દે વિથોણ ગ્રામ પંચાયત, તા. પં.ના અને જિલ્લા પંચાયતના સભ્યો અવગત છે, પરંતુ ઉપર કોઈનું કાંઈ જ ચાલતું નથી. ચૂંટણીઓ વખતે વચન આપવાની કળા ધરાવતા ઘણા રાજકારણીઓને તબીબ મૂકવા બાબતે જરાય રૂચિ નથી તેવું રોષ સાથે જણાવાયું હતું. હવે વહેલી તકે તબીબ મૂકવામાં આવે અથવા તાળાબંધી કરવા માટે લોકોએ માગણી કરી છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer