સુખપર, નાંદા તથા લાખાગઢની પાણી સમસ્યા ઉકેલવા ખાતરી

સુખપર, નાંદા તથા લાખાગઢની  પાણી સમસ્યા ઉકેલવા ખાતરી
આડેસર, તા. 20 : રાજ્યમંત્રીએ પીવાનાં પાણીની સમીક્ષા કરવા આડેસરની મુલાકાત લીધી હતી. હાલના સમયમાં એકબાજુ લગ્નની મોસમ પૂરજોશમાં છે તો બીજી બાજુ દુષ્કાળ વર્ષનો ભરઉનાળો. આવા કપરા સમયમાં લોકો અને પશુઓ માટે પીવાનાં પાણીની સમીક્ષા કરવા રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે આડેસર ગામના ડીંગવાળા તળાવની મુલાકાત લીધી હતી. આ તળાવને ઊંડું કરીને તેમાં કચ્છમાં સિંચાઇ માટે આવતી નર્મદા કેનાલમાંથી ભરી દેવાયું છે. જ્યાંથી આડેસર ઉપરાંત ભંગેરા, માખેલ, ટગા, પંડયાગઢ, વરણુ, વિજાપર વિ. ગામો તેમજ નાની-મોટી વાંઢોમાં પાણી અઠવાડિયે એકવાર આ તળાવમાંથી પીવા માટે અપાય છે. આડેસર અને આજુબાજુના ગામોની પીવાનાં પાણીની જરૂરિયાત હાલ પૂરતી આડેસર ગ્રા.પં.ના આગોતરા આયોજન થકી પૂરી થઇ રહી છે. જો કે, નજીકના જ સુખપર અને નાંદા ઉપરાંત લખાગઢને પાણીની સમસ્યા સતાવી રહી છે. લખાગઢના રહેવાસીઓએ વાસણભાઇને રજૂઆત કરતાં જણાવ્યું કે, કચ્છની નર્મદા કેનાલ લખાગઢની બાજુમાંથી પસાર થાય છે, પરંતુ લખાગઢમાં 70 ફૂટ ઊંચાઇ પર હોવાથી પમ્પિંગ કરીને ગામ તળાવ ભરવાના ખૂબ પ્રયત્નો કરાયા છે પણ પમ્પિંગનું લાઇટ કનેકશન ભીમાસર જી.ઇ.બી. વાળા આવીને કાપી જાય છે. જોકે, કેનાલ પરથી પમ્પિંગ માટે લાઇટ જોડાણ આપી શકાય નહીં તેવું વાસણભાઇએ જણાવ્યું હતું. પણ આ સમસ્યાનો કોઇપણ રસ્તો કાઢી પાણીની તકલીફ દૂર કરાશે તેમ ઉમેર્યું હતું. મુલાકાત સમયે સરપંચ ભગાભાઇ આહીર, લાલા બાપા, માદેવા ખોડાં, જિ.પં.ના ચેરમેન કાનાભાઇ આહીર, રહીમભાઇ (ઉપસરપંચ), ભચા માના આહીર, ભીમાભાઇ લાલા, ખોડાભાઇ આહીર, ટગા વિ. આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer