પાક.ની વર્લ્ડકપ ટીમમાં આમિર, વહાબ અને આસિફનો સમાવેશ

લાહોર, તા. 20 : પોતાના બોલિંગ આક્રમણને મજબૂત કરવાના ઇરાદા સાથે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી)એ ઇંગ્લેન્ડમાં રમાનારી વર્લ્ડકપની ટીમમાં આખરી બદલાવ કરીને ઝડપી બોલર મોહમ્મદ આમિર, આસિફ અલી અને વહાબ રિયાઝનો પાકિસ્તાનની 1પ ખેલાડીની ટીમમાં સમાવેશ કર્યો છે. આ પહેલાં પીસીબીએ 18 એપ્રિલે વર્લ્ડકપ માટેની 1પ ખેલાડીની ટીમ જાહેર કરી હતી. એ ટીમમાંથી આબિદ અલી, ફહીમ અશરફ અને ઝુનૈદ ખાનને બહાર કરીને રિયાઝ, આસિફ તથા આમિરનો સમાવેશ કર્યો છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે પાકની વર્લ્ડકપ ટીમમાં વહાબ રિયાઝની એન્ટ્રી એટલા માટે ચોંકવનારી છે કે તે આખરી વન-ડે 2017માં રમ્યો હતો. ત્યારે તેણે ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં ભારત સામે 87 રનનો ખર્ચ કર્યો હતો અને એક પણ વિકેટ મળી ન હતી. જ્યારે આમિરને પાછલી 14 વન-ડેમાં માત્ર પ વિકેટ મળી છે. પાકિસ્તાનની ટીમ : ફખર જમાન, ઇમામ ઉલ હક, આસિફ અલી, બાબર આઝમ, હેરિસ સોહિલ, મોહમ્મદ હફિઝ, સરફરાઝ અહેમદ (કેપ્ટન-વિકેટકીપર), શોએબ મલિક, ઇમાદ વસીમ, હસન અલી, મોહમ્મદ આમિર, શાહિન અફ્રિદી, મોહમ્મદ હુસનેન, શાદાબ ખાન અને વહાબ રિયાઝ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer