ગોકુલગામ પાસે હીટ એન્ડ રન : એક જણનું મોત, એકને ઈજા

ગાંધીધામ, તા. 20 : પુર્વ કચ્છમાં સતત ત્રીજા દિવસે માર્ગ અકસ્માત અને અકસ્માત મોતનો સીલસીલો જારી જ રહ્યો છે. ભચાઉ તાલુકાના ગોકુલગામ નજીક હીટ એન્ડ રનના બનાવમાં જીપચાલકે દ્વિચક્રી વાહનને હડફેટે લેતાં નરેન્દ્રસિંહ પ્રદીપસિંહ પરમારનું તત્કાળ મોત નીપજયું હતું જ્યારે એક જણાને ઈજાઓ પહેંચી હતી. જ્યારે રાપર તાલુકાના કીડિયાનગરમાં ટ્રેન તળે 23 વર્ષીય યુવાન બળદેવ બબા રાજપૂતે પડતું મૂકી આપઘાત કર્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગોકુલગામ પાસે માર્ગ અકસ્માતનો બનાવ ગત તા.18ના સવારે 10.30 વાગ્યાના અરસામાં બન્યો હતે. અજાણી બોલેરો કારના ચાલકે પૂર ઝડપે ચલાવી જીજે.12.ડીપી. 3691 નંબરની એક્ટિવાને હડફેટે લીધી હતી. વાહનને ટક્કર મારી આરોપી ચાલક ફરાર થઈ ગયો હતો. હતભાગી નરેન્દ્રસિંહનું ગંભીર ઈજાઓથી તત્કાળ મોત નીપજયું હતું. જ્યારે હરેશને ઈજાઓ પહેંચી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાપર તાલુકાના કીડિયા નગર નજીક છોટાપર રેલવે ફાટક પાસે અકસ્માત મોતનો બનાવ આજે બપોરે 3.30 વાગ્યાના અરસામાં બન્યો હતે. હતભાગી યુવાને કોઈ પણ કારણોસર ટ્રેન તળે પડતું મૂકયું હતું. ગંભીર ઈજાઓથી તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. આડેસર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer