સતરસો ટી.ડી.એસ.વાળું પાણી છતાં ખેડુ ખુશ !

સતરસો ટી.ડી.એસ.વાળું પાણી છતાં ખેડુ ખુશ !
ભુજ, તા. 20: કચ્છ જિલ્લામાં બારડોલી પંથકની આગવી ઓળખ ધરાવતા નખત્રાણા તાલુકાના વિથોણ ગામના વેલજીભાઇ પ્રેમજીભાઈ વાલાણી નામના કિસાને પોતાની આગવી કોઠાસૂઝ અને ટેકનોલોજીનો સમન્વય સાધીને પોતાના પિયત વિસ્તારમાં તમામ છોડને ટપક પદ્ધતિથી પાણી વિતરણ કરવાની વ્યવસ્થામાં એક ઈનોવેશન રૂપી નવી વ્યવસ્થા ગોઠવવામાં સફળતા મેળવી છે. જેના કારણે દરેક છોડને ગાળણ પદ્ધતિથી ચોખ્ખું અને ગાળેલું પાણી મળે છે. દરેક છોડની વૃદ્ધિ અને ઉત્પાદનમાં સારો એવો ફરક જોવા મળે છે. સંભવત આવી વ્યવસ્થા સમગ્ર જિલ્લામાં ક્યાંય નહીં હોય. આ અંગે `કચ્છમિત્ર' સાથેની વાતચીતમાં શ્રી વાલાણીએ જણાવ્યું હતું કે, વાડીમાં સાઈઠ ફૂટ જેટલો ઘેરાવો ધરાવતા ટાંકાની અંદરના ભાગની રચના ઉદાહરણીય છે. અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ અને ટેકનોલોજીનો સમન્વય સાધીને બોરના પાણીને ` ગાળણ પદ્ધતિ `અને ફલ્ટ્રેશન પદ્ધતિ'થી પાણી એકદમ ચોખ્ખું થઈ જાય છે અને બોરના પાણીમાંથી આવતી રેતી તેમજ અન્ય કચરો આ પ્લાન્ટમાં એક જગ્યાએ અટકીને સ્થગિત થઈ જાય છે અને કચરા વગરનું ચોખ્ખું પાણી ટાંકાની અંદરના ભાગમાં આવેલા એક કમ્પાર્ટમેન્ટમાંથી થઈને પાઈપ મારફતે દરેક છોડને મળે છે. વર્તુળાકાર બંધ ટાંકાના એક ભાગમાં જમા થયેલો કચરો, રેતી વગેરેને રિવર્સ સિસ્ટમની મદદથી અલગ તારવીને સમગ્ર લાઈનને કલીયર કરવાની સિસ્ટમ તેમજ અંદરનું ઉષ્ણતામાન જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ બાબતે તેમણે જણાવ્યું હતું કે, આ સિસ્ટમ તેમણે જાતે સંશોધનો કરીને શોધી છે. આની સાથે સાથે કુદરતી ખાતર, ગૌમૂત્ર, રાસાયણિક ખાતરનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરી શકાય છે. સમગ્ર વિથોણ પંથક અને કદાચ નખત્રાણા તાલુકામાં આ સિસ્ટમનો પ્રથમ વખતે ઉપયોગ કરતા આ ખેડૂતપુત્રે જણાવ્યું હતું કે આ કાર્ય કરવા માટે શરૂઆતના તબક્કામાં ખૂબ ખર્ચ આવે છે પરંતુ ફાયદો સવિશેષ થતો હોય છે. સારા દાડમનું વજન આશરે પોણા કિલોથી પણ વધુ આશરે આઠસો ગ્રામ જેટલું થઈ જાય છે. કુદરતી ખાતર તેમજ ગૌમૂત્રનો ઉપયોગ કરીને સજીવ ખેતી માટેના પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ હાલની પરિસ્થિતિમાં દાડમના પાકમાં કેટલાક રોગોનું પ્રમાણ વધારે હોવાથી તેનાથી રક્ષણ મેળવવા જંતુનાશક દવાઓ ફરજિયાત રીતે અનિવાર્ય બની જાય છે. દાડમના રોપાની વાવણીથી માંડીને પાક તૈયાર થઈ જાય ત્યાં સુધી દર એકરે એકંદરે એક લાખ રૂપિયા જેટલો ખર્ચ થઈ જાય છે. પરંતુ દાડમનું ઉત્પાદન અને તેની સારી ગુણવત્તાના કારણે દિલ્હી રાજ્યમાં કચ્છના દાડમની સારી માંગ રહેતી હોય છે અને સારા ભાવ મળી રહે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે છે. રૂડાણી જયરામભાઈએ તેમના આ નવતર પ્રયોગને આવકારતાં જણાવ્યું હતું કે સતરસો ટી.ડી.એસ.વાળું પાણી ધરાવતા આ વિસ્તારમાં આ નવીનતમ પ્રોજેક્ટ ખેડૂત માટે લાભકારી બની રહેશે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer