કંડલાની જૂની 1 થી 10 જેટી ગમે ત્યારે બેસી જશે !

ગાંધીધામ,તા.20: મહાબંદર કંડલા (હવે દીનદયાળ)ના વિકાસની નવી નવી યોજનાઓ હજુ હવામાં છે ત્યારે બીજીબાજુ જૂની 1થી 10 નંબરની કારગો જેટીઓની હાલત અત્યંત ખસ્તા હોવાથી તે ગમે ત્યારે બેસી જવાનો ભય હોવા છતાંય છેલ્લાં આઠ વર્ષથી દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ તેની મરંમત માટે એજન્સી નીમવા, અભ્યાસ માટે એજન્સી નીમવા જેવી કાગળની કાર્યવાહી જ કરી રહ્યું છે. 28મીએ મળનારી બોર્ડ બેઠકમાં પણ આવો જ બંદર બેઝીન માટેનો ઠરાવ રજૂ થશે પરંતુ ખરેખર આ જેટીઓની મરંમત કયારે કરાશે તેનો જવાબ મળતો નથી. 28મીની ટ્રસ્ટી બોર્ડની બેઠક માટે જારી કરાયેલા એજન્ડામાં પ્રશાસને આ 1થી 10 જેટીઓની તૂટ-ફૂટની સાચી સ્થિતિનો સતસવીર અહેવાલ બોર્ડના સભ્યોની જાણ અર્થે બીડયો છે. એજન્ડા નંબર-5માં બંદર બેઝીનના બર્થીંગ સ્ટ્રકચરને મજબૂત બનાવવા, આધુનિક બનાવવા એક સર્વગ્રાહી નકશા-અંદાજ-અહેવાલ તૈયાર કરવા મુંબઈની ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીને નિયુકત કરવાનો ઠરાવ મુકાયો છે. ડીપીટી પાસે સિવિલ એન્જિનીયરીંગનો વિશાળ વિભાગ ઉપરાંત ડિઝાઈન વિભાગ પણ છે. તેવા સંજોગોમાં આવો અહેવાલ ડીપીટી પોતાના જ સાધનો દ્વારા બનાવી શકે તેમ છે. આમ છતાં નવી નવી એજન્સીઓ, સંસ્થાઓને કામ આપવાનો આ સિલસિલો અટકતો નથી. જેને પરિણામે ખરેખર કામ થવું જોઈએ તે હજુ થતું નથી. એક એજન્સીએ જેટી નં. 5થી 7નું મરંમતનું કામ આઠ વર્ષ પહેલાં ઉપાડયું હતું. આ ભૂમિ કન્સ્ટ્રકશન નામની પેઢી કામ છોડીને ચાલી ગઈ. આઠ વર્ષ પછી પણ આ ત્રણ જેટીની મરંમત થઈ શકી નથી. જહાજમાંથી ઉતારીને માલસમાન પણ જેટી ઉપર મૂકી શકાય તેવી સ્થિતિ નથી. જો વધુ વજન પડે તો આ ત્રણ જેટી ગમે ત્યારે ધરાશાયી થઈ જશે. માત્ર આ ત્રણ નહીં જેટી નં. 1 થી 10ની તમામની સ્થિતિ ખરાબ છે. દરિયાની અંદરની બાજુના જેટીના પિલર, કોન્ક્રીટીંગ,છત બધું જ નબળું પડી ગયું છે. ડીપીટીનું બોર્ડ માત્ર નામનું જ સ્વાયત્ત છે. કરોડો રૂપિયાનું ભંડોળ હોવા છતાં આ બોર્ડ નાના-મોટા નિર્ણયો પણ લાગુ કરાવી શકતું નથી. હકીકતે આ તમામ જેટીઓની મરંમત ડીપીટી એ જાતે જ કરાવવી જોઈએ. સિવિલ એન્જિનીયરીંગ અને ડિઝાઈનીંગના વિભાગો તે માટે જ છે. બારાતુ એજન્સીઓને માત્ર નાણાં રળવામાં જ રસ છે. કામ ટલ્લે ચડે છે અને ખાનગી બંદરોને ફાયદો થઈ રહ્યો છે. ડીપીટીના બોર્ડમાં અધર ઈન્ટરેસ્ટના ટ્રસ્ટીઓ જ નહીં હોવાથી સ્થાનિકનો કોઈ અવાજ નથી. પ્રજાકીય પ્રતિનિધિઓ તો બે મહિનાથી ચૂંટણીમાં વ્યસ્ત થઈ ગયા છે. કંડલા-ગાંધીધામ સંકુલના વિકાસમાં જેની મહત્વની ભૂમિકા છે તેવું મહાબંદર જો 10 જેટી બેસી જશે તો કયાં જઈને ઊભશે તે પ્રશ્ન મોટો છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer