ગાંધીધામ રેલવે સ્ટેશને અનેક વાહન દંડાયાં

ગાંધીધામ રેલવે સ્ટેશને અનેક વાહન દંડાયાં
ગાંધીધામ, તા. 20 : શહેરના રેલવે સ્ટેશનમાં નો- પાર્કિંગ ઝોનમાં ઊભા રખાતા આડેધડ વાહનોનાં કારણે ટ્રેનોના આવાગમન સમયે સર્જાતી ટ્રાફિક સમસ્યા નિવારવાના હેતુથી એરિયા રેલવે મેનેજરની ઉપસ્થિતિમાં રેલવે પોલીસ દ્વારા ઝુંબેશ આદરવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટેશન પરિસરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે કરવા એઆરએમ દ્વારા વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા.ગાંધીધામથી દેશના વિવિધ રાજ્યોને સાંકળતી ટ્રેનોનું આવાગમન થતું હોવાથી પ્રવાસીઓની આવનજાવન વિશેષ રહે છે. સરેરાશ એક ટ્રેનના આવાગમન સમયે 150થી વધુ વાહનની અવરજવર થાય છે. રેલવે પ્રશાસન દ્વારા પરિસરમાં વિકસાવાયેલા પે એન્ડ પાર્કિંગ એરિયામાં પાર્કિંગના પૈસા બચાવવા માટે લોકો ગમે ત્યાં અથવા નો-પાર્કિંગ ઝોનમાં ગાડી ઊભી રાખી દેતા હોય છે. જેના કારણે સ્ટેશન પરિસરમાં અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આ સમસ્યા નિવારવા એરિયા રેલવે મેનેજર આદિશ પઠાનિયાની સૂચનાથી રેલવે પ્રોટેકશન ફોર્સ અને ગુજરાત રેલવે પોલીસ દ્વારા નો-પાર્કિંગ ઝોનમાં ઊભા રહેલા વાહનો સામે દંડનાત્મક કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી વેળાએ એ.આર.એમ. સ્ટેશન મેનેજર સત્યેન્દ્ર યાદવ, સી.એમ.આઈ. વિવેક મિશ્રા, એ.આર.એમ. સચિવ સંજિતસિંઘ વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યવાહી દરમ્યાન 30થી વધુ કાર અને દ્વિચક્રી વાહનો સામે દંડનાત્મક કાર્યવાહી કરાઈ હતી. કુલ 5000થી વધુ રકમની વસૂલાત કરવામાં આવી હતી. એ.આર.એમ.એ આર.પી.એફ. અને રેલવે પોલીસને અઠવાડિયામાં બે વખત દંડનાત્મક કાયવાહી કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત સ્ટેશન પરિસરમાં પાર્કિંગની વ્યવસ્થામાં વધુ સુધારો કરવા અંગે પણ જરૂરી સૂચનો આપ્યા હતા. આ કાર્યવાહીનાં પગલે આડેધડ વાહન પાર્ક કરનારા વાહનચાલકોમાં ફફડાટ પ્રસર્યો હતો.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer