રામકૃષ્ણ યુવક મંડળના પ્રમુખની `ધરતી રત્ન એવોર્ડ'' માટે પસંદગી

રામકૃષ્ણ યુવક મંડળના પ્રમુખની  `ધરતી રત્ન એવોર્ડ'' માટે પસંદગી
ભુજ, તા. 20 : રામકૃષ્ણ યુવક મંડળ-ભુજ સાથે 50 વર્ષથી જોડાયેલા અને 25 વર્ષ સુધી પ્રમુખ તરીકે માર્ગદર્શન આપી સંસ્થાને અગ્રીમ સ્થાને પહોંચાડનારા મંડળના વર્તમાન પ્રમુખ કેશવભાઇ કે. ગોરને અમદાવાદ સ્થિત આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા રાજ્યકક્ષાના `ધરતી રત્ન એવોર્ડ-7 માટે પસંદ કરવામાં આવ્યા છે. ધરતી રત્ન એવોર્ડ-7ની પસંદગી સમિતિ દ્વારા કુલ 43 દાવેદારોમાંથી 11 સેવાના વિરલાઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં માનવસેવાના વાહક અને ચાહક તરીકે કેશવભાઇનો સમાવેશ થયો છે. આ એવેર્ડ સમારંભ મે અથવા જૂન માસમાં યોજાશે. લોકસંપર્ક અને સેવાકાર્યની તાલીમ કેશવભાઇને બાળપણથી જ મળેલી. 28મી સપ્ટે. 1945ના ભુજમાં જન્મેલા કેશવભાઇના માતા દેવકાંબાઇ અને પિતા ખીમજી નારાણજી બાવાની આર્થિક સ્થિતિ નબળી, પિતા મોડર્ન ટોકીઝમાં હોટલ ચલાવતા. આમ નાનકડો કેશવ ધો. 6માં આવ્યો ત્યારથી સાંજના છથી રાત્રિના બાર સુધી કપ- રકાબી ધોવાથી માંડી ગ્રાહકોને સાચવવા સુધીનાં કામમાં રચ્યા- પચ્યા રહી મેટ્રિક સુધીનું શિક્ષણ હોટલમાં કામ કરતાં પૂરું કર્યું હતું. સને 1975માં લાલન કોલેજમાંથી અર્થશાત્ર સાથે બી.એ.ની પદવી લીધી હતી. શિવભાવે જીવસેવાના ભેખધારી એવા કેશવભાઇએ રાજ્યગોર સમાજ-ભુજ અને કચ્છી રાજ્યગોર શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ મંડળ-ભુજના પૂર્વ પ્રમુખ તરીકે સેવાકીય કાર્યો કર્યા છે. કેશવભાઇની એવોર્ડ માટે પસંદગી થતાં રામકૃષ્ણ યુવક મંડળ અને કચ્છ માટે ગૌરવની ઘટના હોવાનું મંડળના મંત્રી હિતેન્દ્ર ધોળકિયાની યાદીમાં જણાવાયું છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer