અદાણી સ્કિલ ડેવલો. દ્વારા દોઢ વર્ષમાં 300 યુવાનોને કૌશલ્યવર્ધનની તાલીમ : 150ને નિયુક્તિ

અદાણી સ્કિલ ડેવલો. દ્વારા દોઢ વર્ષમાં 300  યુવાનોને કૌશલ્યવર્ધનની તાલીમ : 150ને નિયુક્તિ
ભુજ, તા. 20 : અદાણી સ્કિલ ફાઉન્ડેશન કેન્દ્ર દ્વારા 300 જેટલા યુવાન ભાઈ-બહેનોને જનરલ ડ્યૂટી નર્સિંગ આસિસ્ટન્ટ અને બ્યૂટી પાર્લરની અપાયેલી સ્વરોજગારલક્ષી કૌશલ્યવર્ધન તાલીમ બાદ 150 યુવાનો રોજગારી રળતા થઇ ગયા છે. આ સંસ્થા દ્વારા 2017ના અંતે જુદી જુદી સ્કિલ માટે યુવાનોને તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જનરલ ડ્યૂટી આસિસ્ટન્ટ નર્સિંગ તથા બ્યૂટી પાર્લર વિશેષ રોજગારી આપતું કૌશલ્ય હોવાથી તેની માંગ વિશેષ રહે છે. આ ઉપરાંત કેન્દ્રમાં કોમ્પ્યુટરના એડવાન્સ એક્સેલ અને ટેલી, ડિજિટલ સાક્ષરતા અને સ્પોકન ઈંગ્લિશ જેવા કોર્સ, નોકરી અને સ્વવ્યવસાયને સહાયરૂપ થાય છે. સ્કિલ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના કેન્દ્રના હેડ સાગર કોટકના જણાવ્યા અનુસાર આસિસ્ટન્ટ નર્સિંગ કોર્સમાં હોસ્પિટલમાં નોકરી મળે છે. મુખ્ય નર્સને મદદરૂપ થવામાં સ્વઆરોગ્ય, પેશન્ટ કેર, હોસ્પિટલની જાળવણી તથા ડોક્ટર અને દર્દી સાથેની વર્તણૂક જેવાં અનેક પગલાંનું જ્ઞાન આપવામાં આવે છે. કેન્દ્રમાં આ કામ ગોપાલદાન ગઢવી સંભાળે છે. જ્યારે બ્યૂટી પાર્લર માટે કિન્નરીબેન ઉમરાણિયા દ્વારા દુલ્હન સજાવવા સાથે ફેસિયલ, મેનીક્યોર, પેડીક્યોર, પાર્લર સેટઅપ તથા બ્રાઈડલ મેકઅપની તાલીમ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ ચાલતી જનરલ ડ્યૂટી આસિસ્ટન્ટ કોર્સમાં ભુજ, માંડવી સહિત જુદી જુદી હોસ્પિટલમાં નોકરી મળી છે. જ્યારે એકલા જી.કે. જનરલ હોસ્પિટલમાં 35 ભાઈ-બહેનોને નિયુક્તિ મળી છે. જ્યારે બ્યૂટી પાર્લર કોર્સમાં ખાનગી ધોરણે પાર્લર ચલાવવા ઉપરાંત લગ્ન પ્રસંગે ઓર્ડર મેળવવા અને ઘરબેઠે પણ આ કામ થઇ શકે છે. પાર્લર માટે અત્યાર સુધી 22 અપંગ બહેનોને તૈયાર કરવામાં આવી છે. એ પૈકી 9 શિડયુલ કાસ્ટની દીકરીઓ છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer