રોહા (સુમરી)ના કિલ્લા પર જીજામાની દરગાહે જશ્ને શાને ઔલિયા યોજાયો

રોહા (સુમરી)ના કિલ્લા પર જીજામાની  દરગાહે જશ્ને શાને ઔલિયા યોજાયો
દેવપુર-ગઢ (તા. માંડવી), તા. 20 : રોહા (સુમરી)ના કિલ્લા પર હઝરત પીર સૈયદ જીજામા સાહેબા સીરાઝી (ર.અ.)ની દરગાહ શરીફ પર મેળો યોજાયો હતો. હિન્દુ-મુસ્લિમ બિરાદરોએ કોમી એકતા સાથે જશ્ને શાને ઔલિયામાં જોડાયા હતા. રોહા પંથક ઉપરાંત કચ્છભરમાંથી મૌલાના અને મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. રોહા (સુમરી) ગામે તળેટીમાંથી સૈયદ કાદરશા ઇબ્રાહીમશા સીરાઝીના ઘરેથી દરગાહ શરીફ સુધી ચાદરપૌશી (સંદલ) માટે નીકળેલા જુલૂસમાં બિરાદરો જોડાયા હતા. પ્રારંભે મૌલાના કારી અભુભખર (પેશ ઇમામ રોહા) દરગાહ પર હઝરત પીર સૈયદ છોટે સલીમબાપુ (બેડી જામનગરવાળા)એ નૂરાની બયાન તકરીર ફરમાવતાં મજહબે ઇસ્લામ અંગેની સાચી સમજ આપી પીર, ફકીર, વલી અને ઓલિયા પરવર દિગારની બંદગી કરી પોતાના મકસદમાં કામયાબ થયાનું કહ્યું હતું. રોહા ઠાકોર પરિવારના પુષ્પેન્દ્રાસિંહજી જાડેજાએ કોમી એખલાસ અને ભાઇચારાની ભાવના સાથે યોજાતા ઉર્સ માટે આયોજકોને બિરદાવતો સંદેશ પાઠવ્યો હતો. સીરાઝી પરિવાર દ્વારા જિલ્લા પંચાયતના સભ્ય પીર સૈયદ હાજી તકીશા ઇબ્રાહીમશા (નલિયા) અને ધારાસભ્ય પી.એમ. જાડેજા, ગાત્રાળ માતાજીના મહંત શંકરગિરિબાપુનું મોભી સૈયદ સાકરશા કાદરશા અને સૈયદ ફઝલેહુસૈનના હસ્તે વિશેષ સન્માન કરાયું હતું. રોહા મુસ્લિમ જમાત, મહેશ્વરી સમાજ અને વિષ્ણુ મહાજનના આગેવાનોનું સન્માન કરાયું હતું. સૈયદ કાદરશા હાજી હસૈનશા (ચરોપડી), સૈયદ જાવેદ હુસૈન હાજી બાવા (આરીખાણા), સાલેમામદ આધમ પડેયાર (પ્રમુખ, અબડાસા હિતરક્ષક સમિતિ), ઇકબાલ હાજી અબ્દુલ્લા (કોઠારા) ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન સૈયદ જુસબશા હાજી ઈસ્માઇલશા (મોથાળા)એ અને આભારવિધિ સૈયદ આમદશા સાકરશાએ કરી હતી. સમિતિના સૈયદ સાકરશા કાદરશા, સૈયદ સુલતાનશા કાદરશા, સૈયદ ઇબ્રાહીમશા કાસમશાના માર્ગદર્શનમાં યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer