તો રાષ્ટ્રીય ગ્રીન ટ્રીબ્યુનલ ગુજરાત સરકારની ગેરહાજરીમાં જ સુનાવણી આગળ ચલાવશે

ગાંધીધામ, તા. 20 : કચ્છ ઊંટ ઉછેરક સંગઠન દ્વારા ગુજરાત સરકાર તથા વિવિધ સરકારી તંત્રો વિરુધ્ધ વોંધ આસપાસની કાંઠાળ જમીનમાં ચેરિયાંના થતા સફાયા સંદર્ભે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એન.જી.ટી.) માં કેસ કરાયો છે. આજે થયેલી સુનાવણીમાં સરકારના કોઈ પ્રતિનિધિ હાજર ન રહેતાં એન.જી.ટી.એ કડક રૂખ અપનાવીને હવે જો કોઈ હાજર નહીં થાય તો તેમની ગેરહાજરીમાં જ કેસ ચલાવવા આદેશ કર્યો છે. એન.જી.ટી. આજે કરેલા આદેશમાં જણાવ્યું છે કે રાજયના વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ તરફથી આજની સુનાવણીમાં કોઈ હાજર થયું નહોતું. તેવી જ રીતે કરછ જિલ્લા કલેકટર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વતી પણ કોઈ પ્રતિનિધિ એન.જી.ટી. સમક્ષ હાજર થયા નહોતા. ભચાઉ તાલુકાના વોંધ ગામના કાંઠાળ વિસ્તારમાં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા નમક ઉત્પાદનના હેતુ અર્થે પ્લોટ નં. 2થી5 ફાળવ્યા છે. જેને લઈને ઉત્પાદકો દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડાતું હોવાની ફરિયાદ ઊંટ ઉછેરક મંડળે કરી હતી. આ સંદર્ભમાં એન.જી.ટી.માં આ કેસ દર્જ કરાયો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ઊંટની પ્રજાતિ એવી ખારઈ ઊંટ દરિયા કાંઠે ઊગતાં ચેરિયાં ખાઈને જીવન વ્યતિત કરે છે. આ ચેરિયાંના વૃક્ષોનું ઘણા ઉદ્યોગકારો નિકંદન કાઢીને નમક ઉત્પાદન કે ત્યાં પહોંચવાના માર્ગ વગેરે બનાવે છે. જેનો ઊંટ ઉછેરક મંડળ લાંબા સમયથી વિરોધ કરી રહ્યું છે. પાણીના કુદરતી વહેણને રોકે તે રીતે માટીના પાળા બનાવવા, ચેરિયાંનું નિકંદન વગેરે બાબતો પર્યાવરણને જફા પહોંચાડતી હોવાથી આ પ્રવૃત્તિ અટકાવવા જિલ્લા કલેકટર, ડીપીટી ચેરમેન, જી.પી.સી.બી. વગેરે સમક્ષ રજૂઆત થતી રહી છે. હવે આ કેસમાં ટ્રીબ્યુનલ અંતિમ સુનાવણી 3જી જુલાઈએ હાથ ધરશે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer