સમગ્ર જીવન કલા પ્રત્યે જ સમર્પિત રહેશે

સમગ્ર જીવન કલા પ્રત્યે જ સમર્પિત રહેશે
રશ્મિન પંડયા દ્વારા અંજાર, તા. 16 : વિશ્વપ્રસિદ્ધ સીદી સૈયદની જાળી એ અમદાવાદ શહેરમાં લાલ દરવાજા પાસે આવેલી સીદી સૈયદની મસ્જિદની એક દીવાલ પર આવેલી છે. એ જાળીની ખાસિયત એ છે કે એટલી મોટી જાળી એક જ પથ્થરમાંથી કોતરવામાં આવી છે અને નક્શીકામનો બેજોડ અને ઉત્તમ નમૂનો મનાય છે. અંજારના 32 વર્ષીય પેઈન્ટર તથા મડવર્કના કારીગર કુંભાર શબ્બીર કાસમ દ્વારા આવી જ જાળીનો નમૂનો અંજાર સ્થિત મકાન બાંધકામ માટે બનાવ્યો છે. તેમણે માટીકામ અને પેઈન્ટિંગની અનેક કૃતિઓ બનાવી છે. સીદી સૈયદની જાળી જેવો જ 7/4 ફૂટનો માટીનો નમૂનો અંજાર ખાતે બનાવ્યો છે. એ જાળીને બ્લેક બેકગ્રાઉન્ડ પર માટી અને રંગો વડે સુંદર રીતે કંડારવામાં આવી છે. આ અંગે શબ્બીરભાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, સાત વર્ષની ઉંમરથી જ કલા પ્રત્યે પ્રેમ જાગ્યો હતો. સમયની સાથેસાથે એ ક્ષેત્રમાં વધુને વધુ મહેનત કરતા ગયા. સીદી સૈયદની જાળીનું માસ્ટર પીસ બનાવવા તેમણે ખૂબ મહેનત કરી. કારણ કે તેમાં અત્યંત ઝીણવટપૂર્વકનું મડવર્ક અને પેઈન્ટિંગ ખાસ્સી મહેનત માગી લે તેવું હતું. તેમની અન્ય કૃતિઓ માટે તેમને અનેક ખિતાબ અને પુરસ્કારોથી સન્માનિત કરાયા છે. જેમાં મોરારિબાપુના હસ્તે કરવામાં આવેલા સન્માનને સૌભાગ્ય ગણે છે. તેમના દ્વારા અત્યાર સુધી 300થી પણ વધુ મડવર્ક અને પેઈન્ટિંગના બેજોડ નમૂના બનાવાયા છે. લોકો તેમને મકાનોમાં, ઓફિસો તેમજ વિવિધ કાર્યક્રમોમાં વિવિધ નમૂનાઓ તેમજ કૃતિઓ બનાવવા માટે ખાસ બોલાવે છે. શબ્બીરભાઈએ અંતમાં જણાવ્યું કે, તેમનું સમગ્ર જીવન કલા પ્રત્યે જ સમર્પિત રહેશે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer