નખત્રાણામાં પોલીસે દબાણો દૂર કર્યાં

નખત્રાણામાં પોલીસે દબાણો દૂર કર્યાં
નખત્રાણા, તા. 20 : નગરમાં ત્રણેક મહિના અગાઉ વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાય તે અગાઉ જ નાના-મોટા ધંધાર્થીઓએ પોતાના ગેરકાયદેસર દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરી રોડ-માર્ગ ખુલ્લા કર્યા હતા પરંતુ ત્યારબાદ ફરી પાછા ત્યાં જ ગોઠવાઇ જતાં આજે પોલીસે ફરી દૂર કરતાં તેમજ રેંકડી-કેબિનો જે ટ્રાફિક નડતરરૂપ હતી તે ટ્રેક્ટર દ્વારા ઉપાડી કડક કાર્યવાહી હાથ ધરતાં ફફડાટ ફેલાયો હતો. પ્રાંત કચેરી, મહેસૂલ, પંચાયત, જાહેર બાંધકામ શાખા દ્વારા સંયુક્ત દબાણ હટાવ ઝુંબેશ ધરાવાની હતી પરંતુ સ્વૈચ્છિક રીતે તે વખતે ધંધાર્થી હટી ગયા હતા અને આજે ઓચિંતાની પોલીસ તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ હતી. આ નગરમાં દબાણનો પ્રશ્ન આમ તો ઘણા સમયથી ચર્ચાસ્પદ રહ્યો છે. જ્યારે જ્યારે વહીવટી તંત્ર દ્વારા દબાણ ઝુંબેશ હાથ ધરાય ત્યારે નાના-નાના ધંધાર્થીઓનો રોજી-રોટી, આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે પરંતુ તેનો ઉકેલ નથી આવતો. આજે પોલીસ અધિકારીના કાફલા સાથે બસ સ્ટેશનથી ઠેઠ વથાણ સુધી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. દુકાનદારો પોતાના કાઉન્ટર, લારી-ગલ્લા ઠેઠ રોડ સુધી રાખતા હતા તેને પણ પાછા હડસેલી માર્ગ ખુલ્લા કરાવ્યા હતા, તો પોલીસ દ્વારા ખાણી-પીણી, નાસ્તાની લારી-ગલ્લાવાળાઓને સ્વચ્છતા રાખવાની પણ કડક સૂચના સાથે કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer