ભચાઉમાં ઘરમાં ઘૂસી 2.55 લાખની ચોરી !

ગાંધીધામ, તા. 20 : ભચાઉમાં તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત રૂા. 2.55 લાખની મતાની તસ્કરી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવતાં ચકચાર પ્રસરી છે. મોટી રકમની ઘરફોડ ચોરીનાં પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ થઈ પડી છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ભચાઉના વર્ધમાનનગર વિસ્તારમાં તસ્કરીનો આ બનાવ ગત તા. 18-5ના સવારે 6.30 વાગ્યાથી 19-5ના સવારે 6.30 વાગ્યાના અરસામાં 24 કલાકના ગાળામાં બન્યો હતો. કોઈ ચોર હરામખોરો બંધ ઘરના રસોડાના દરવાજાનું તાળું તોડી ઘરમાં ગેરકાયદે પ્રવેશ્યા હતા. બેડરૂમમાં રાખેલા કબાટનાં તાળાં તોડી તમામ સામાન વેર-વિખેર કરી 2.49 લાખના સોના-ચાંદીના દાગીના અને રૂા. 6 હજાર રોકડા સહિત 2.55 લાખની મતા ઉસેડી ફરાર થઈ ગયા હતા. 50 હજારની કિંમતનું મંગળસૂત્ર, 26 હજારની કિંમતનું સોનાનું પેન્ડલ, 20 હજારની કિંમતની સોનાની ચેન, 90 હજારની કિંમતનો સોનાનો બુટ્ટી સાથેનો સેટ, 16 હજારની કિંમતની સોનાની બે નંગ બુટ્ટી, 8 હજારની કિંમતના ચાંદીના સાંકળા, 6 હજારની કિંમતની ચાંદીની ઝાંઝરી, 15 હજારની સોનાની સેર, 5 હજારની કિંમતની સોનાની ચુડી સહિતના દાગીના તફડાવી જવાયા હતા. વકીલાત અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ફરિયાદી શામજી વેલજીભાઈ દરજી પત્ની અને બાળકોને લેવા સાસરે કીડિયાનગર ગયા હતા. તે અરસામાં તસ્કરોએ આ પરાક્રમ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ જ ભચાઉમાં દિનદહાડે નજર ચૂકવી લાખથી વધુ રકમની ઉઠાંતરી થઈ હતી. તે બનાવ અંગે કોઈ કડી નથી મળી ત્યાં હવે મોટી રકમની તસ્કરીના બનાવથી ભારે ચકચાર પ્રસરી છે. પોલીસે બનાવનો ભેદ ઉકેલવા વ્યાયામ આદર્યો છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer