અંજારમાં આધારકાર્ડની બે જ કિટથી મુશ્કેલી

ગાંધીધામ, તા. 18 : અંજારમાં આધારકાર્ડ બનાવવા તથા તેમા જરૂરી સુધારા કરાવવા માટે તંત્રની બે કિટ હોવાથી અરજદારોને ભારે વેઠવાનો વારો આવ્યો છે. બીજી બાજુ શહેરની બેન્કોમાં તથા અન્ય સ્થળે કાર્યરત ખાનગી એજન્સીધારકો દ્વારા મનફાવે તેવા નાણાં વસૂલતા હોવાની ફરિયાદો ઊઠી છે. આમ આદમીનો આધાર એવા આધારકાર્ડ જુદા-જુદા જરૂરી કામોમાં આવશ્યક હોવાથી તેનું મૂલ્ય વધવા લાગ્યું છે ત્યારે આ કાર્ડ બનાવવા અને તેમાં જરૂરી સુધારા-વધારા કરાવવા માટે આધારકાર્ડના કેન્દ્રોમાં રોજ લાંબી લાંબી લાઈનો લાગતી હોવાનું ચિત્ર ઉપસતું હોય છે. જાણકારોએ જણાવ્યું હતું કે આધારકાર્ડની બે કિટ ઉપલબ્ધ છે જે પૈકીને એક અંજાર નગરપાલિકામાં અને એક તાલુકા પંચાયતમાં આ કાર્યરત છે. આ ઉપરાંત વધારાની એક કિટને અંજારના બદલે ખાવડા મોકલવામાં આવી છે. અંજાર નગરપાલિકામાં ચાલતા આધારકાર્ડના કેન્દ્રમાં મહિનામાં એક જ વાર ટોકન અપાતું હોવાથી અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે તેવો રોષ લોકોએ ઠાલવ્યો હતો. ગ્રામ વિસ્તારમાંથી આવતા લોકોને ટોકન આપવાના સમયની જાણ ન હોવાથી આ વર્ગેને ટોકન લેવામાં અગવડતા પડી રહી છે. અંજાર તાલુકા પંચાયતમાં કાર્યરત કેન્દ્રમાં આધારકાર્ડનું કામ મંથર ગતિએ ચાલતું હોવાથી સમયનો વ્યય થતો હોવાની રાવ અરજદારોએ કરી હતી. કેન્દ્રોમાં કામ કરતો સ્ટાફ કોઈ કારણસર રજામાં જાય તો કેન્દ્રને બંધ કરી દેવામાં આવતું હોય છે. અલબત તેની ગેરહાજરીમાં કોઈ વૈકિલ્પક વ્યવસ્થા ઊભી ન કરવામાં આવતા લોકોને ધકકા ખાવા પડી રહ્યા છે. અંજારના આધારકાર્ડ કેન્દ્રોમાં કામગીરીનો સમય, ટોકન મેળવવાનો સમય તથા આ માટે જરૂરી દસ્તાવેજો જેવી માહિતી દર્શાવતા પાટિયા મૂકવામાં આવે તો લોકોની સુવિધામાં વધારો થઈ શકે. બીજી બાજુએ અંજારની જુદી-જુદી બેન્કોમાં આધારકાર્ડ સંબંધિત કામગીરી કરતી ખાનગી એજન્સીઓ અરજદારો પાસેથી મનફાવે તેટલા નાણાં વસૂલે છે તેવી અસંખ્ય ફરયાદો લોકોએ કરી હતી. આ ખાનગી એજન્સીઓના ઓપરેટરો સરકારી અધિકારીઓને દાદ ન આપી તેની સાથે પણ ગેરવર્તન કરતા હોવાની ફરિયાદ ખુદ સરકારી અધિકારીઓએ કરી હતી. જો કે લોકોના કાર્ય ઝડપથી થાય તે હેતુસર એજન્સીઓ સામે કાર્યવાહી ન કરાતી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. આ અંગે અંજાર મામલતદાર શ્રી રાજગોરનો સંપર્ક કરતાં તેઓએ આધારકાર્ડના કાર્ય મુદ્દે ઉચ્ચકક્ષાએ સ્થિતિની જાણ કરી યોગ્ય રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer