માતાના મઢમાં મારુ કંસારા સોની જ્ઞાતિ મહામંડળ દ્વારા સવા કરોડના ખર્ચે વાડી બંધાશે

ભુજ, તા. 20 : અખિલ ભારતીય મારુ કંસારા સોની જ્ઞાતિ મહામંડળ દ્વારા સમગ્ર દેશમાં વસતા સમાજના જ્ઞાતિજનો કચ્છની કુળદેવી આઈ આશાપુરા માતાના જ્યાં બેસણાં છે તેવા પવિત્ર તીર્થધામ માતાના મઢ મુકામે દર્શનાર્થે અને યાત્રાએ આવે ત્યારે તેમની સગવડ સચવાય એ આશય સાથે જ્ઞાતિની વર્તમાન સમાજવાડીનું અંદાજે સવા કરોડના ખર્ચે નવીનીકરણ કરવાના કાર્ય માટે ચક્રો ગતિમાન થયાં છે. મહામંડળ દ્વારા હાથ ધરાનારા આ સમાજલક્ષી કાર્ય માટે સમગ્ર ભારતમાં વિવિધ સ્થળે વસતા કચ્છી માડુ કંસારા સોની સમાજે ઘરે-ઘરે નિમંત્રણ પાઠવવાનો તખતો ગોઠવાઈ ગયો છે. ભુજ, અંજાર, નખત્રાણા, પ. કચ્છ, ભચાઉ, માંડવી, અમદાવાદ, રાયપુર, મુંબઈ, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, સૌરાષ્ટ્ર વિગેરે વિસ્તારોમાંથી સુંદર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. મહામંડળના પ્રમુખ ભરતભાઈ બી. બગાના જણાવ્યા અનુસાર આગામી 30મી જૂનના નવનિર્મિત વાડીમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. અંજાર નિવાસી સ્વ. સોની પુરુષોત્તમ ધારશીભાઈ બિજલાણીના અથાક પ્રયત્નોથી બનાવાયેલી વાડીને આધુનિક સ્વરૂપ આપવા તેમની પાંચ પુત્રીઓ પુષ્પાબેન રસિકલાલ પોમલ, હંસાબેન ફૂલચંદભાઈ પોમલ, ડાહીબેન ભગતલાલભાઈ બારમેડા, કમળાબેન ચંદુભાઈ સોલંકી, શાંતાબેન અમૃતલાલ બારમેડા તથા મંગળાબેન મુકુન્દલાલ ગુજરાતીના હસ્તે વાડીનું ખાતમુહૂર્ત કરાશે અને જીર્ણોદ્ધારનો આરંભ થશે. માતાના મઢની આ વાડી બે માળની બનાવાશે, જેમાં પ્રથમ તથા બીજા માળે એક એક હોલ, ચાર ચાર રૂમો, ઓફિસ ખંડ, રસોડું તથા ટોઈલેટ તેમજ ગ્રાઉન્ડ ફલોરમાં વ્યવસાયિક શોપનું નિર્માણ કરાશે. સમગ્ર દેશમાંથી વાડીના નિર્માણ માટે ભંડોળ એકત્રિત કરાશે. મહામંડળના હોદ્દેદારો, કારોબારી સભ્યો સહિતના આ કામ માટે જહેમત લઈ રહ્યા છે. તો બીજી તરફ દાનની ગંગા વહેવડાવવા પૂછપરછનો દોર શરૂ થયો છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer