ગાંધીધામના અપનાનગરની રોજ ભરાતી સંધ્યા માર્કેટનો દોઢ દાયકાથી દબદબો યથાવત્

ગાંધીધામના અપનાનગરની રોજ ભરાતી સંધ્યા માર્કેટનો દોઢ દાયકાથી દબદબો યથાવત્
ગાંધીધામ, તા. 15 : સાંજના ચાર વાગ્યાનો સમય થાય કે તરત જ નાની-મોટી હાથગાડીઓ, છકડાઓ ટેમ્પા અને નાની યુટીલિટીઓ શહેરના અપનાનગર વિસ્તારમાં સુંદરપુરી રોડ પાસે પોતાનો સામાન છોડવા લાગે છે. કેટલાક બંદા ઊંચા થાંભલા નક્કી કરેલી જગ્યામાં ખોડે છે અને જોતજોતાંમાં ખાલી પડેલી જગ્યામાં વિવિધ સ્ટોલ ઊભા થવા લાગે છે.અપનાનગર પાણીના ઓવરહેડ ટેન્ક વિસ્તારમાં આ રોજિંદું દૃશ્ય છે. થોડાક સમયમાં એક વિશાળ ધંધાદારી વ્યાવસાયિક પીઠું બની ગયું હોય એમ દેખાય. પુરુષો, મહિલાઓ, બાળકોના વિવિધ રેડીમેડ કપડાં, હેંગર ઉપર ટીંગાળવા લાગે તો પેન્ટ પીસ અને અન્ય ટુવાલ-નેપકીન વગેરે ગોઠવાવા લાગે છે. એક સ્વપ્નસૃષ્ટિ જાણે ઊભી થઇ ગઇ. બીજી તરફ બહેનો માટે બંગડીઓ, ટીલડીઓ, લાલી-લિપસ્ટિક હાથલારીઓ ઉપર ગોઠવાઇ જાય છે. વિવિધ પ્રકારના સેંડલો, સ્લીપર ચંપલો પણ વેચાવા માટે તૈયાર થઇ જાય છે. અપનાનગર ઓવરહેડ ટેન્ક તથા વાયા રામબાગથી આદિપુર જવાના સુંદરપુરીના રસ્તે ચાર ચોકડી પાસે વિવિધ સ્ટોલો ગોઠવાઇ જાય છે. `કચ્છમિત્ર' દ્વારા જ્યારે આ માયાવી માર્કેટની તપાસ કરાઈ તો જાણવા મળ્યું કે, અહીં માત્ર ઝૂંપડપટ્ટી કે ગરીબ વસતીને નજર સામે રાખી કપડાં, ચીજવસ્તુઓ વેચવામાં નથી આવતી પણ લીલાશાહ નગર, અપનાનગર જેવા સુખી, સમૃદ્ધ વિસ્તારમાં રહેનારાની માંગને સંતોષવા મોંઘાં અને ભારે કપડાં પણ વેચાય છે. કિડાણાથી માત્ર સાંજના ભાગે વિવિધ તૈયાર કપડાંની રેન્જ લઇને આવનારા અનિલ મારાજે જણાવ્યું હતું કે, તે માત્ર અપનાનગરમાં જ કપડાં વેચવા આવે છે અને તે પણ સાંજના ભાગે. પણ અહીં તેમને ગ્રાહકોની એટલી પૂછા મળે છે અને ખરીદી થાય છે કે, બીજે ક્યાંય હવે જવાનું મન નથી થતું, પણ ગુલાબરાય ભૈયાએ જણાવ્યું હતું કે,  બપોર બાદ પોતાના સ્ટોલ ઊભા કરનારામાં ઘણા ચારસો ક્વાર્ટરમાં પોતાની દુકાનો ધરાવે છે અને સવારના ભાગમાં ત્યાં વેચાણ કરી સાંજના ભાગે અહીં આવે છે. આતીક રહેમાન જે પોતાની દુકાન ચારસો ક્વાર્ટરમાં ધરાવે છે તે રોજ સાંજે અહીં અપનાનગરમાં આવે છે તથા સેક્ટર પાંચમાં ભરાતી શનિ માર્કેટમાં પણ જાય છે. રસ્તાનો માલ સસ્તો હોય છે ખરો? એવા સવાલના જવાબમાં જણાવ્યું કે, ખરેખર સાવ સાચું નથી પણ ફેર પડે, કારણ કે જે તૈયાર કપડાં અહીં વેચવામાં આવે છે તે કપડાં બજારમાં નાના-મોટા શોરૂમમાં પણ હોય છે, પણ ત્યાં ખર્ચા એસીના, કામ કરતા કર્મચારીના, શોરૂમના ભાડા વગેરેના વધી જાય, એટલે વેપારી આ ખર્ચ આખરે તો ગ્રાહકો પાસેથી જ વસૂલ કરે. માત્ર પેન્ટ પીસ વેચતા મનોહરે જણાવ્યું હતું કે, તમે માર્કેટમાં કોઇ કપડાં કે પીસ ખરીદવા જાઓ તો સ્ટાન્ડર્ડ કંપનીના શોરૂમમાં બ્રાન્ડેડ મળે, જ્યારે  નાની દુકાનોમાં પ્રમાણમાં હલકા કપડાં મળે, જ્યારે અહીં તો  હલકા કે ભારી બધા પ્રકારના, બધી કિંમતની રેન્જનાં કપડાં મળે, એટલે ખરીદ કરનારને શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવું પડે તેની જરૂર નથી પડતી. તમે વેચતા માલની ગેરંટી શું  હોય ? તેના જવાબમાં કેટલાક વેપારીઓએ જણાવ્યું હતું કે, અહીં છેલ્લા 10-12 વર્ષથી વધારે સમયથી અમે આવીએ છીએ અને અમારી વેચવાના સ્ટોલની જગ્યા પણ નિર્ધારિત હોય છે. એટલે ખોટું બોલી, લલચાવીને કોઇ ચીજ વેચતા નથી, બાકી જેટલો માવો તેવી સારી મીઠાઇની જેમ જો ગ્રાહક ભારેમાં ખરીદવા માગે તો તે પ્રમાણેનાં કપડાં વગેરે આપીએ છીએ, છતાં તે શહેરની દુકાનો શોરૂમના પ્રમાણમાં સસ્તા હોય છે. એક સાડી વેચનારાએ તો પોતાની પાસે બે હજારથી 20 હજાર સુધીની અને તેથી મોંઘી સાડી હોવાની ને વેચાતી હોવાની વાત કરી. ગ્રાહકોની માંગ પ્રમાણે તેઓ મગાવી આપે પણ છે. આતીકે જણાવ્યું હતું કે, તેઓ વારંવાર અમદાવાદ-સુરત-મુંબઇ જતા હોય છે અને ત્યાંથી વિવિધ બ્રાન્ડ તથા રેન્જનાં કપડાં ખરીદ કરી લાવે છે. સ્લીપર, ચંપલ, બુટ વગેરેની પણ રેંકડીઓ ઉપરના સ્ટોલ ઉપર પ્રમાણમાં હલકા પણ ક્યારેક સારી રેન્જનાં પગરખાં વગેરે વેચાતા જોવા મળ્યા. અલબત્ત શોક્સ-મોજાં, રૂમાલ વગેરેમાં કદાચ માંગ પ્રમાણે એવરેજ સામાન હતો. આ વિસ્તારમાં ચક્કર લગાવતાં સાંજના ભાગે રોજના બે-ત્રણ ગરમાગરમ સમોસા પાંચ-પાંચ રૂપિયે વેચતા જોવા મળ્યા, જ્યારે ભેળ, ચાટ, પાણીપુરીવાળા પણ ત્યાં ઊભેલા હતા, જે ખરીદી કરવા આવનારાના જીભના ચટાકાને પણ સંતોષતા જોવા મળ્યા. નવાઇની વાત એ જોવા મળી કે, માત્ર કાપડ જ નહીં પણ  અન્ય જીવન જરૂરી ચીજો વેચતા આ વેપારીઓમાં આપસી સંગઠન જોરદાર છે. થોડા સમય પહેલાં અહીં સ્ટોલ કરતા જૂના વેપારીનું અવસાન થતાં જે દિવસે પ્રાર્થનાસભા હતી ત્યારે આ પૂરી માર્કેટ બંધ રહી હતી. છેલ્લા દોઢ દાયકાથી વધારે સમયથી ચાલતી આ બજારે હજુ પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે અને નાની-મોટી જીવન જરૂરી ચીજો, કપડાં વગેરેની માંગ સફળતાપૂર્વક સંતોષી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer