અંજારના ટાવરમાંથી ઘડિયાળ કાઢીને પાલિકાએ પોતાની કચેરીમાં ટીંગાડી

અંજારના ટાવરમાંથી ઘડિયાળ કાઢીને પાલિકાએ પોતાની કચેરીમાં ટીંગાડી
અંજાર/ગાંધીધામ, તા. 15 : અંજારમાં સતત ધમધમતા એવા દેવળિયાનાકા પાસે આવેલા ટાવરમાંથી પાલિકા દ્વારા વધુ એક વાર ઘડિયાળ હટાવી તેને  સુધરાઈમાં લગાડવામાં આવતાં   લોકોમાં આશ્ચર્ય  પ્રસર્યું છે. અંજારના બગીચા પાસે આવેલા ટાવરની ફરતે પાલિકા દ્વારા ઘડિયાળો મૂકવામાં આવી હતી. પંરતુ આ ઘડિયાળમાં  અવાર-નવાર યાંત્રિક ખોટીપો સર્જાતો હોય છે. પાલિકા દ્વારા બેથી વધુ વખત ઘડિયાળને બદલાવા કામગીરી કરાઈ હતી તેમ છતાં અત્રેની ઘડિયાળો સાચો સમય બતાવતી ન હતી.થોડા સમય અગાઉ સુધરાઈએ  લાઈટથી સંચાલિત નવી ઘડિયાળોને ટાવર ઉપર પ્રસ્થાપિત કરી હતી. જેથી માર્ગ પાસેથી પસાર થતા લોકોને સમય જોવામાં સરળતા રહેતી હતી. એકાએક આ ઘડિયાળો ગાયબ  થતાં લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉદભવ્યા હતા. પાલિકાના જાણકારોએ જણાવ્યું હતું કે ટાવર ઉપરની ઘડિયાળ  સમયસર ચાલતી  ન હોવાથી તથા તેના આંક તડકામાં  દેખાતાં ન હોવાથી  ત્યાંથી હટાવી લેવામાં આવી છે. હાલ આ ઘડિયાળને નગરપાલિકામાં સ્થાન  અપાયું હતું. ટાવરની ઘડિયાળનું સમયાંતરે યોગ્ય રીતે સમારકામ ન થતું હોવાથી સમય દર્શાવતું યંત્ર ચાલવાનું બંધ થઈ જાય છે.  શહેરની સુખાકારી અને સુંદરતા વધારવાના દાવા કરનારા પાલિકા શહેર પ્રતિષ્ઠાની ઝાંખી કરાવનારા ટાવરમાં  ફરી એકવાર ઘડિયાળો મૂકી શોભા વધારવાનો પ્રયાસ કરશે કે પછી જૈસે થેની સ્થિતિ જાળવાશે તેવો પ્રશ્ન  જાગૃત નાગરિકોએ ઊઠાવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer