ગાંધીધામને સુંદરતા બક્ષતાં ચિત્રો દબાણને હવાલે !

ગાંધીધામને સુંદરતા બક્ષતાં ચિત્રો દબાણને હવાલે !
ગાંધીધામ, તા. 15 : શહેરને સ્વચ્છ રાખવાની સાથોસાથ સુંદરતા વધારવાના હેતુથી દીનદયાલ પોર્ટ, રોટરી કલબ અને ઈન્નરવ્હીલ કલબના સંયુકત ઉપક્રમે કેપીટી ગ્રાઉન્ડની દીવાલને ભાત-ભાતનાં ચિત્રોથી અંકિત કરવામાં આવી હતી, પરંતુ આ સુંદર ચિત્રોને દબાણનું ગ્રહણ લાગતાં આ સ્થળની સુંદરતા ઓસરી ગઈ છે. આ અંગે સંબંધિત તંત્રો દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતાં શહેરના પ્રબુદ્ધ નાગરિકોમાં ભારે કચવાટની લાગણી પ્રસરી છે. ગાંધીધામ-આદિપુરની મધ્યમાં આવેલા કેપીટી ગ્રાઉન્ડની દીવાલને ચિત્રાકૃતિઓથી શણગારવા માટે ઈન્નરવ્હીલ કલબ રોટરી કલબ દ્વારા દીનદયાલ પોર્ટના સહયોગથી આ પ્રકલ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મેગા સિટીની માફક ગાંધીધામને શણગારવાના આ  પ્રકલ્પમાં કચ્છના 40 જેટલા કલાકારોએ વિવિધ રંગબેરંગી ચિત્રો અંકિત કર્યાં હતાં. આ ચિત્રોની સમયાંતરે યોગ્ય જાળવણી કરવાની જવાબદારી પોર્ટ પ્રશાસનના શિરે હતી. રોડ વિથથી દીવાલ સુધી પેવર બ્લોક લગાડવાનું પણ આયોજન વિચારાયું હતું, પરંતુ ત્યાર બાદ આ ચિત્રો પ્રત્યે કોઈ ધ્યાન અપાયું નથી. હાલ 40 પૈકીના લગભગ ચિત્રો દબાણ તળે ઢંકાઈ ગયાં છે. ડીપીટી મેદાનની દીવાલની શરૂઆતથી અંત સુધી ફર્નિચરના વેપારીઓએ છેલ્લા કેટલાક સમયથી દબાણ કર્યું છે. રોડ પૂરો થતાંની સાથે જ ગોઠવાયેલા ફર્નિચરના કારણે રંગબેરંગી ચિત્રો નજરે જ નથી પડતા. આ ચિત્રો બન્યાં ત્યારે શહેરીજનોમાં આકર્ષણનું  કેન્દ્ર બન્યાં હતાં. માર્ગ ઉપરથી પસાર થતી વખતે લોકો વાહનો રોકી આ કલાકૃતિ નિહાળતા હતા. અમદાવાદ સહિતના મોટા શહેરોમાં આ પ્રકારે જ વિવિધ દીવાલો ઉપર ચિત્ર અંકિત કરી શહેરની સુંદરતામાં વધારો કરવામાં આવે છે અને તેમની જાળવણી પણ કરવામાં આવે છે, જ્યારે અહીં અમુક મહિનાઓ બાદ જ આ ભીંતચિત્રોની હાલત નધણિયાતી જેવી થઈ ગઈ છે. અગાઉ આ ચિત્રોની આડે બાવળની ઝાડીઓ ઊગી નીકળી હતી. આ પ્રકલ્પ અંતર્ગત ભારતમાતા, કચ્છની સંસ્કૃતિ સહિતની ભાત-ભાતની ચિત્રાકૃતિઓનું સર્જન કલાકરો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટના આધારે ગાંધીધામ રેલવે સ્ટેશનમાં પણ કચ્છની સંસ્કૃતિ ઉજાગર કરતાં ચિત્રો  અંકિત કરાયાં હતાં, જેમાં દેશભરના સુંદર રેલવે સ્ટેશનોમાં ગાંધીધામ રેલવે સ્ટેશનનો ત્રીજો ક્રમાંક આવ્યો હતો, પરંતુ સમગ્ર કચ્છના પ્રથમ એવા આ પ્રોજેકટના ચિત્રોની સુંદરતા ઓસરી ગઈ છે. પોર્ટ પ્રશાસન અને માર્ગ મકાન વિભાગ દ્વારા આ દબાણો હટાવી ચિત્રોનું જતન થાય તે દિશામાં ત્વરિત કાર્યવાહી કરાય તે સમયની માંગ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer