અંજારમાં પ્રથમ વખત બે સગી બહેનનું એકસાથે આરંગેત્રમ

અંજારમાં પ્રથમ વખત બે સગી બહેનનું એકસાથે આરંગેત્રમ
અંજાર, તા. 15 : આરંગેત્રમ એટલે શાત્રીય નૃત્યશૈલી, ભરતનાટયમની સઘન તાલીમ મેળવ્યા બાદ કલાગુરુની ઉપસ્થિતિમાં સ્નેહીજનો  સમક્ષ મંચ પ્રવેશ. કલાગુરુ સુમા મોહન (ડાયરેક્ટર ઓફ નાટયાલયા-ગાંધીધામ)ના સાતત્યપૂર્ણ માર્ગદર્શન અને આશીર્વાદથી અંજારની બે સગી બહેનો ચિ. કિન્નરી તથા ચિ. બાગેશ્રી તા. 18/5ના ટાઉનહોલ ખાતે આરંગેત્રમ પ્રસ્તુત કરશે. શહેરમાં પ્રથમ વખત બે સગી બહેનોનું એકસાથે આરંગેત્રમ યોજાનાર છે. બુદ્ધપૂર્ણિમાના દિવસે યોજાનાર આરંગેત્રમની મુખ્ય વિશેષતા એ છે કે, તેમાં ભરતનાટયમ ઉપરાંત દક્ષિણ ભારતની નૃત્યશૈલીઓ કુચીપુડી અને મોહિનીઅટ્ટમ બંને બહેનો દ્વારા એક જ મંચ પર પ્રસ્તુત કરાશે. જે સમગ્ર કચ્છ-ગુજરાતમાં પ્રથમ વખત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કિન્નરી ભરતનાટયમમાં વિશારદની  પદવી પ્રાપ્ત કરી તે જ ક્ષેત્રમાં ઉચ્ચ અભ્યાસ કરી રહી છે. જેમણે  રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા  આયોજિત યુવા ઉત્સવમાં  સતત ત્રણ વર્ષ સુધી રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રાષ્ટ્રીય કક્ષાએ  પ્રતિનિધિત્વ કરી અંજારને ગૌરવ અપાવ્યું છે અને હાલમાં જ અંજારના વિદ્યાર્થીઓને  શાત્રીય નૃત્યની તાલીમ આપવાના વર્ગો અંજારમાં જ શરૂ કરેલા છે, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ તાલીમ મેળવી રહી છે. કાર્યક્રમને  સફળ બનાવવા માટે માતા-પિતા શ્રુતિબેન મહેશભાઇ ચંદે, સુમા મોહન તથા પરિવારજનો જહેમત ઉઠાવી રહ્યા છે. કિન્નરી અને બાગેશ્રીએ ગાંધીધામના સંગીતકાર સ્વ. મોહનભાઇ સોલંકીની દોહિત્રી તથા અંજારના સ્વ. તલકશીભાઇ જીવરાજભાઇ ચંદેની પૌત્રી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer