ભુજના લારી-ગલ્લાવાળા વેપારીઓ સાથે તંત્રની આજે બેઠક

ભુજના લારી-ગલ્લાવાળા વેપારીઓ સાથે તંત્રની આજે બેઠક
ભુજ, તા. 15 : ગઇકાલે ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં ત્રિકોણબાગ પાસે ટ્રાફિક પોલીસ દ્વારા લારી-ગલ્લાવાળાઓને હટાવાતાં આ મુદ્દે 200થી વધુ વેપારીઓ દ્વારા આજે ડીવાયએસપી સમક્ષ રજૂઆત કરાતાં આવતીકાલ તા. 16/5ના પોલીસ અધિકારી, સુધરાઇના અધિકારી, પદાધિકારી સાથે વેપારીઓની બેઠક યોજાશે, જેમાં યોગ્ય નિર્ણય પણ લેવાશે તેવું આશ્વાસન  અપાયું હતું. ગઇકાલે ટ્રાફિક પોલીસ દ્વારા થયેલી કાર્યવાહી બાદ આજે ફરી એજ જગ્યાએ એજ લોકો સાથે કાર્યવાહી થતાં ડીવાયએસપી જે. એન. પંચાલ, ટ્રાફિક પીએસઆઇ શ્રી ચૌધરીએ આ મુદ્દાને ગંભીરતાપૂર્વક લઇ અને શેરી ફેરિયાઓ, તેમના પ્રતિનિધિઓ સહિતનાઓને જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે નગરપાલિકાના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં રૂબરૂ બોલાવી અંદાજિત પોણા બે કલાક સુધી ગંભીરતાપૂર્વક સાંભળ્યા હતા અને શહેરી શેરી ફેરિયા અધિનિયમ 2014ની જોગવાઇઓને સરળતાથી સમજવાનો પ્રયત્ન કર્યા બાદ આવતીકાલે એટલે તા. 16ના સવારે 11 કલાકે નગરપાલિકાના મુખ્ય અધિકારી અને સંબંધિત તંત્ર સાથે ચર્ચા વિચારણા અને ચોક્કસ નીતિ તૈયાર કરવા માટે બેઠક કરવાનું આયોજન નક્કી કરાયું હતું, જેમાં દરેક મુદ્દાને ગંભીરતાપૂર્વક અને ટેક્નિકલી નક્કર આયોજન ઘડી કાઢવા માટે નક્કી કરાયું હતું. ધંધા-રોજગાર બંધ થવાથી હોલસેલ વેપારીઓ, ચા-નાસ્તાવાળા સહિતનાઓને અસર પહોંચતાં ડીવાયએસપીને રૂબરૂ મળ્યા હતા જેમાં  ફ્રૂટ વેપારી એસોસીએશનના અરવિંદભાઇ ગોર, શાંતિલાલભાઇ ગોર, આરીફભાઇ મેમણ, દીપકભાઇ, બટુકભાઇ, મેહુલભાઇ, શેરી ફેરિયા સંગઠનના રાજેશભાઇ દાવડા, અમિત ઠક્કર, મુરલીભાઇ, કાન્તિભાઇ પટ્ટણી, વિનોદભાઇ, રાધાબેન, સુલતાનભાઇ ચાકી, રજાકભાઇ ચાકી, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ અસીમ મિશ્રા, ભાવસિંહ ખેર, જિજ્ઞાબેન ગોર, નગરપાલિકાના કલ્યાણસિંહ સોઢા, મહંમદ લાખા વિ. મદદરૂપ થયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer