ધો. 10 પછી કયા ક્ષેત્રમાં અભ્યાસ કરવો તે અંગે વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલાયા

ધો. 10 પછી કયા ક્ષેત્રમાં અભ્યાસ કરવો તે અંગે વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલાયા
કોડાય (તા. માંડવી), તા. 15 : તાલુકાના દુર્ગાપુરની અંગ્રેજી માધ્યમની શાળા શિશુવનમાં ધો. 10 પછી કારકિર્દી આયોજન સેમિનાર યોજાયો હતો. જેમાં માધ્યમિક શાળા પછી કયા ક્ષેત્રમાં અભ્યાસ આગળ નક્કી કરવો તેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરાઈ હતી તથા વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલાયા હતા. આ સેમિનારમાં દુર્ગાપુર તથા આજુબાજુના ગામોના જુદા-જુદા સમાજના અગ્રણીઓ આવ્યા હતા. વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડતાં પ્રવક્તાઓએ `પરદેશમાં વર્તમાન શિક્ષણ સ્તર', `બજારમાં વર્તમાન વલણ', `િવદ્યાર્થીઓ માટે વિશિષ્ટ પ્રેરણા', `બોર્ડ પછી શિક્ષણનો માર્ગ કેવી રીતે પસંદ કરવો', `ગુણવત્તાવાળું શિક્ષણ કેવી રીતે નક્કી કરવું' જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. શાળાના ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ શાહે જણાવ્યું કે શિશુવન શાળામાં અંગ્રેજી માધ્યમનું પ્રાથમિક (નર્સરીથી ધો. 6) તથા ધો. 11 અને 12 ઉચ્ચ માધ્યમિક શરૂ કરવામાં આવ્યું કે જેથી માંડવી તથા આજુબાજુના ગામોમાં પ્રાથમિકની સાથે સાથે ઉચ્ચતર માધ્યમિક શિક્ષામાં સુધારો લાવી શકાય. વક્તા શ્રીનંદન મુખર્જીએ શિક્ષણના જુદા-જુદા આયામોના મુદ્દાઓની છણાવટ કરી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. અન્ય વક્તા આનંદકુમારે ત્રણ વિષય પર મુખ્ય વાત કરી જેમાં ધો. 10 પછી કોર્સ કઈ રીતે પસંદ કરવો. કોર્સ નક્કી કરવામાં પ્રતિબદ્ધતા, ક્ષમતા અને એકાગ્રતાનું યોગદાન અને સમાજ, પરિવાર તથા વિદ્યાર્થીની અપેક્ષાને અનુરૂપ પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer