ભુજની શાળા દ્વારા રંગ-તરંગ ચિત્ર હરીફાઇનું આયોજન

ભુજની શાળા દ્વારા રંગ-તરંગ ચિત્ર હરીફાઇનું આયોજન
ભુજ, તા. 15 : દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી અને ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રંગ-તરંગ ચિત્ર હરીફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સી.બી.એસ.ઇ. બોર્ડ તેમજ ગુજરાત બાર્ડની સ્કૂલોના ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.  શાળા દ્વારા ભુજ તેમજ કચ્છના તમામ બાળકોને અભ્યાસની સાથેસાથે બીજી સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં રસ કેળવાય અને બાળક સતત પ્રવૃત્તિશીલ રહે તે માટેનું આયોજન કરી આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં કચ્છની તમામ શાળાના વિદ્યાર્થીઓની નોંધણી થઇ હતી. સ્પર્ધાને ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવી હતી. પ્રથમ કેટેગરી 3થી 6 વર્ષના બાળકો માટે, જ્યારે બીજી કેટેગરી 6થી 10 વર્ષના બાળકો માટે, ત્રીજી કેટેગરી 10થી 16 વર્ષના બાળકો માટે રખાઇ હતી. સ્પર્ધાના નિર્ણાયક તરીકે  નવીનભાઈ સોની તથા બેલાબેન મહેતા હાજર રહી સારા ચિત્રો દોરનાર વિજેતાની પસંદગી કરી હતી. ત્રણેય કેટેગરીમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે સ્કૂલ તરફથી પ્રોત્સાહક ઈનામો તેમજ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. વિજેતાઓને વિશેષ ઈનામો આપવામાં આવ્યાં હતાં. આ આખા પ્રોગ્રામનું શાળા પરિવારના શિક્ષકગણ તેમજ સંચાલકો દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. બાળકોની સાથેસાથે વાલીઓને પણ આ પ્રોગ્રામમાં પ્રવૃત્તિમય રાખવા માટે ઈફેક્ટિવ પેરેન્ટિંગ પર બાળકના સર્વાંગી વિકાસ માટે ક્વિઝ, વિવિધ ગેમ્સ જેવી કે સંગીત ખુરશી, રાઈફલ શૂટિંગનું પણ શાળા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી  ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલ કે જ્યાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાને લઈ આવી સહ અભ્યાસિક પ્રવૃત્તિઓને મહત્ત્વ આપવા માટે મેનેજિંગ ટ્રસ્ટી વી.વી. શાત્રી સ્વામી, એડમિનિસ્ટ્રેટર  કિરીટભાઈ પટેલ, હિતુલભાઈ પટેલ તથા કેમ્પસ ડાયરેકટર સંજયભાઈ ટાંક અને પ્રિન્સિપાલ  ક્રિષ્નકુમાર શાહુ સહયોગી રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer