ચૂંટણીપંચની લાલઆંખ

નવી દિલ્હી, તા. 15 : કોલકાતામાં ભાજપના પ્રમુખ અમિત શાહના રોડ શોમાં હિંસા અને વિદ્યાસાગરની પ્રતિમા તોડવાના મામલે થયેલા વિવાદ પછી ચૂંટણીપંચે હરકતમાં આવી એક મોટા અને અભૂતપૂર્વ નિર્ણયમાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપ્રચાર માટે વિશેષાધિકારોનો ઉપયોગ કરતાં એક દિવસનો કાપ મૂક્યો છે. ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, આવતીકાલે રાત્રે 10 વાગ્યા પછી પશ્ચિમ બંગાળની 9 લોકસભાની બેઠકો પર કોઇ ચૂંટણીપ્રચાર હાથ ધરી શકાશે નહીં. આ પહેલાં ચૂંટણીપ્રચાર શુક્રવાર સાંજે 5 વાગ્યે સમાપ્ત થવાનો  હતો.  દરમ્યાન, મોડી સાંજે મમતા બેનરજીએ હિંસાના વિરોધમાં રેલી કરી હતી. આ ઉપરાંત મમતા સરકારના ખાસમખાસ અફસરો એવા પ્રધાન સચિવ (ગૃહ) આઈએએસ અત્રી ભટ્ટાચારની હકાલપટ્ટી કરવામાં આવી હતી અને એડીજી (સીઆઈડી) રાજીવ કુમારની ગૃહ મંત્રાલયમાં બદલી કરી દેવામાં આવી હતી. વધુમાં ચૂંટણીપંચે કહ્યું હતું કે, હજી પણ પરિસ્થિતિ નહીં બદલાય તો વધુ કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ અમિત શાહની રેલી સમયે થયેલી હિંસા મામલે બન્ને પક્ષો તરફથી સામસામા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેમાં  ભાજપ તરફથી કહેવામાં આવ્યું હતું કે,  બંગાળમાં મમતા બેનરજી ગુંડાગીરી ચલાવી રહ્યાં છે અને ટીએમસીના ગુંડાઓએ સહાનુભૂતિ મેળવવા માટે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી છે. તો બીજી તરફ ટીએમસી દ્વારા ભાજપ ઉપર પ્રતિમા તોડવાનો આરોપ ઘડવામાં આવ્યો હતો તેમજ હિંસા માટે ભાજપે બહારથી લોકો અને પૈસા મગાવ્યા હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, સંભવત: આ પહેલો બનાવ છે કે, આ રીતે કલમ 324 અમલમાં મુકાઇ હોય. પંચે જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન જો આ ઘટનાઓનું પુનરાવર્તન થશે તો ફરી કડક પગલાં લેવામાં આવશે. નોંધનીય છે કે,  19 મેના  પશ્ચિમ બંગાળમાં 9 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, એવામાં તમામ રાજકીય પક્ષો તેમની  તમામ તાકાત લગાડી રહ્યા છે. મંગળવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ-શો દરમિયાન ઘણો હંગામો થયો હતો. આ સમય દરમિયાન  ત્યાંની કોલેજમાં ઇસી વિદ્યાસાગરની મૂર્તિને પણ નુકસાન થયું હતું. હિંસા માટે ભાજપ અને ટીએમસી એકબીજાને  દોષિત ગણાવે છે. ચૂંટણીપંચે કહ્યું કે, તેઓ આશા રાખે છે કે, રાજ્યનું તંત્ર મૂર્તિને ક્ષતિ પહોંચાડનારને પકડી લેશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રમુખ અમિત શાહના રોડ-શો દરમ્યાન ભારે હંગામો અને પથ્થરબાજી થયા હતા. જેમાં ભાજપના કેટલાક સમર્થકો ઉપરાંત પત્રકારો ઘાયલ થયા હતા. પોલીસ અને ભાજપના ટેકેદારો વચ્ચે અથડામણ થઇ?હતી, જેના કારણે પોલીસ લાઠીચાર્જ પણ કરવો પડયો હતો. અમિત શાહના રોડ શો દરમિયાન પથ્થરબાજી અને હિંસા મામલે બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ આરોપ મૂક્યો હતો કે, ભાજપે ચૂંટણી પંચનાં નામે રાજ્યના પ્રશાસન ઉપર કબ્જો કર્યો છે. કોલકાતા અને બિદ્યાનગરના પોલીસ કમિશનરને બદલીને પોતાના લોકો બેસાડયા છે. જો મારા પોલીસ કમિશનર તૈનાત હોત તો ભાજપને કરોડો રૂપિયાની તસ્કરી કરતા રોકવા સક્ષમ હતા. ભાજપ પોતાના પક્ષમાં મત માટે કેન્દ્રીય દળોનો ઉપયોગ કરે છે. જેના ઉપર પોલીસ કેસ છે તેવા ભાજપના નેતાઓ બ્લેક કેટ કમાન્ડો લઈને ભાજપ કાર્યકરોને રૂપિયા પહોંચાડી રહ્યા છે. આવી પરિસ્થિતિ અગાઉ ક્યારેય જોવા મળી નથી. આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાવવા કહેવામાં આવ્યું છે. વધુમાં બંગાળમાં હિંસા ભડકાવવા માટે ભાજપ બહારથી માણસો અને રૂપિયા લાવી રહ્યો છે. આ તો ભાજપના ગુંડાઓના નસીબ સારા છે કે હું શાંત બેઠી છું. તેમણે કહ્યું મોદીને હરાવવાની, દેશ બહાર મોકલી દેવાની જરૂર છે.  ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું ભાજપથી ભયભીત મમતા બેનરજી સભાઓમાં મંચ તોડીને, મજૂરોને મારીને, રેલી રદ્દ કરાવીને બંગાળને શું બનાવવા માગે છે ? યાદ રાખવું બંગાળ ભારતનું અભિન્ન અંગ છે, બગદાદીથી પ્રેરિત થઈને બગદીદી બનવાનું તમારું સપનું ભારત માતાના સાચા સપૂત મત આપીને તોડીને રહેશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહની રેલીમાં જે કંઈ થયું તેનાથી બંગાળમાં ટીએમસીની એક્સપાયરી ડેટ લખાઈ ગઈ છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer