મુંદરામાં સરળ હપ્તે પ્લોટ યોજનામાં ઠગાઇ ?

મુંદરા, તા. 15 : સરળ હપ્તાની પ્લોટોની યોજનાનાં નામે કરોડો રૂા.ની ઠગાઇ કે છેતરપિંડી થઇ?હોવાની વિગત ધીમે-ધીમે સપાટી ઉપર આવી છે. છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર તાલુકામાં પ્રથમ દૃષ્ટિએ જ અંદાજે રૂા. 25 કરોડ જેટલી ઠગાઇ થઇ હોવાનું ચિત્ર સ્પષ્ટ બને છે. તો સમગ્ર મામલે વિધિવત પોલીસ ફરિયાદ કરવાનાં ચક્રો ગતિમાન બન્યાં છે. સમગ્ર બનાવની વિગત એવી છે કે, મુખ્યત્વે ગાંધીધામ અને મુંદરાના ડેવલોપરોએ ભુજપુરના સર્વે નં. 423 અને 423/2માં  સરળ હપ્તાથી પ્લોટની યોજના બહાર પાડી અને મસમોટા ઇનામો આપવાની જાહેરાત કરવામાં આવી.  યોજના 1500 સભ્યોની અને 60 મહિના માટેની હતી. 80 વાર જેટલો પ્લોટ યોજના પૂરી થાય ત્યારે આપવાનો હતો. માસિક હપ્તો રૂા. 2 હજારનો પરંતુ દર પાંચમો હપ્તો સાડા પાંચ હજારનો ભરવાનો રહેશે તેવું યોજનાના બ્રોસરમાં દર્શાવવામાં આવ્યું છે. યોજનામાં જોડાયેલા સભ્યોને  રૂા. 100ના સ્ટેમ્પ પેપર ઉપર `સમજૂતીનું લખાણ' કરી આપવામાં આવ્યું છે, એમાં બે વિકલ્પ આપવામાં આવ્યા હતા. પ્રથમ વિકલ્પ ચૂકવેલી મૂળ રકમના બમણા રૂપિયા કોઇપણ પ્રકારના વ્યાજ વગર મેળવી શકશે અને બીજો વિકલ્પ સભ્યોએ ચૂકવેલી મૂળ રકમ ઉપરાંત પ્રોજેક્ટવાળી જમીનમાં 80 વારનો પ્લોટ મળશે. માસિક હપ્તા ન ભરવા હોય તો એકીસાથે રૂા. 1 લાખ 40 હજાર ભરી શકાશે.  પીડિતોએ  આક્ષેપ કર્યો હતો કે, ગાંધીધામ ખાતે મુખ્ય કચેરી ધરાવતા ડેવલોપર્સોએ જ્યારે યોજના બહાર પાડી ત્યારે  ભુજપુરના સર્વે નં. 423/1 અને 423/2 તેમની માલિકીના ઠામ હતા જ નહીં. તેમ યોજના પૂરી થઇ એટલે કે 60 માસ પછી પણ આ સર્વે નંબરવાળી જમીન ડેવલોપર્સની નથી. યોજનામાં જ્યાં રહેણાકનો 80 વારનો  પ્લોટ આપવાની વાત છે એ સર્વે નંબરો તો અન્ય કોઇની માલિકીના છે, જ્યારે યોજના પૂરી થઇ ગઇ ત્યારે સભ્યોને પ્લોટ આપવાની વાતમાં કહેવાતા ડેવલોપર્સોએ હાથ ઊંચા કરી નાખ્યા અને તમારાથી થાય તે કરી લેવાનું જણાવ્યું હતું. બાદ જ્યારે સભ્યોએ ભારે ભીંસ વધારી ત્યારે ભુજપુરના બદલે કારાઘોઘા ગામના અંતરિયાળ વિસ્તારમાં યોજના સાથે સંબંધ ન ધરાવતા ઠામ પૈકીના પ્લોટોના દસ્તાવેજ કરી આપવામાં આવ્યા. જ્યાં આવનાર 20-30 વર્ષમાં પણ પ્લોટના ભાવ વધવા કે વસતી આવવાના સંજોગો નથી. અન્ય વિગત એ પણ નોંધપાત્ર છે કે, જે મોટા ઇનામોની જાહેરાત કરવામાં આવી હતી એ પૈકી કોને કયું ઇનામ લાગ્યું તેની સત્તાવાર જાહેરાત ડેવલોપર્સ તરફથી  સમયાંતરે કરવામાં આવી, પરંતુ ઇનામમાં લાગેલી ફોરવ્હીલ કાર આપવામાં આવી નથી. જ્યારે વિકલ્પ એકની પસંદગી કરનારને રૂા. બમણા આપવાની જે વાત કરવામાં આવી હતી તેને ચેક આપવામાં આવ્યા, પરંતુ એ ચેક બાઉન્સ થયા છે, જેની સત્તાવાર ફરિયાદ પણ કરવામાં આવી છે. 14 કરોડ 40 લાખ હપ્તા પેટે અને રૂા. બમણા માટે અંદાજે 10 કરોડ 50 લાખ મળી એકંદરે કુલ રૂા. 24 કરોડ 50 લાખનું ફૂલેકું ફેરવાઇ ગયું છે.  યોજનામાં જોડાયેલા લોકોને  ભુજપુર મધ્યે પ્લોટ નથી મળતા, રૂપિયા પરત નથી મળતા, ઇનામની  કારો મળતી નથી, સભ્યોના ચેક પરત આવે છે તો સભ્યોએ સત્તાવાર સરનામે વકીલ મારફતે મોકલાવેલી નોટિસો પરત આવે છે. મોબાઇલ સ્વીચ ઓફ આવે છે. યોજનામાં જોડાવવા માટે જે-તે સમયે  એજન્ટોએ પણ લોકોને શીશામાં ઉતારવાની ભૂંડી ભૂમિકા ભજવી છે. સભ્યો એજન્ટોને પૂછે છે અને એજન્ટો ગલ્લાં-તલ્લાં કરે છે. તપાસ દરમ્યાન જેમની સમક્ષ સંખ્યાબંધ ફરિયાદો આવી છે એવા એડવોકેટ વિશ્રામભાઇ ગઢવીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, કાયદાની વિવિધ કલમો તળે આયોજકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનો તખતો ગોઠવાઇ ગયો છે. આ રીતસરની છેતરપિંડી અને ઠગાઇ છે. કાયદાના પરિઘમાં રહીને તેને પડકારવામાં આવશે. મહત્ત્વની વાત એ પણ છે કે, યોજનાના રૂપકડા બ્રોસર જોઇને  અને યોજના સંબંધી પૂરી તપાસ કર્યા વગર યોજનામાં જોડાનારા સભ્યોએ પણ  એકના ડબલ અને ઇનામોની લાલચે આંધળૂકિયું કર્યું છે. દરમ્યાન સગુન એન્ટરપ્રાઇઝના ભાગીદાર ખાનભાઇનો ટેલિફોન સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, ભુજપુરના સર્વે નંબર પૈકી એક સર્વે નંબરની જમીન મારા નામે છે, જેને બિનખેતીમાં ફેરવવાની વિધિ ચાલુ છે, પરંતુ અમારા બે ભાગીદાર સુરેશ સરડા અને ઉમેશ શ્રીવાસ્તવ ભાગી જતાં પરિસ્થિતિ વિકટ બની છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer