7 ડીલર સામે આરટીઓની તવાઇ

ભુજ, તા. 15 : નવા વાહનોનું વેચાણ કર્યા બાદ તેના દસ્તાવેજ આરટીઓમાં પાસિંગ માટે મોકલવામાં વિલંબ કરતા વાહન વિક્રેતાઓ સામે જિલ્લા આર.ટી.ઓ.એ લાલઆંખ કરી સાત ડીલરના યૂઝર આઇડી બ્લોક કરી નાખતાં ફફડાટ ફેલાયો છે. આ ડીલર જ્યાં સુધી પડતર રહેલા દસ્તાવેજ પૂરા નહીં કરે ત્યાં સુધી આઇડી બ્લોક રહેશે અને ત્યાં સુધી તેઓ વાહન વેચાણ કરી શકશે નહીં એમ આર.ટી.ઓ.એ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી નવા વાહન ખરીદનારાઓને નંબર ન ફાળવાતાં ઊહાપોહ વધતાં આર.ટી.ઓ. તંત્ર હરકતમાં આવ્યું હતું. વાહનધારકોની સતત તપાસ થકી એ બાબત સપાટીએ આવી હતી કે વિવિધ વાહન ડીલરોએ નવા વાહનના કાગળિયા પાસિંગની પ્રક્રિયા માટે કચેરીએ મૂક્યા જ ન હતા. આર.ટી.ઓ. દ્વારા ડીલરોને નોટિસ આપી સૂચના આપવામાં આવી હતી. આમ છતાં સ્થિતિમાં કોઇ સુધારો ન થતાં થોડા દિવસ પહેલાં રૂબરૂ બેઠક કરીને નિર્દેશ અપાયા હતા. તેમ છતાં પેન્ડિંગ કામમાં સુધારો ન થતાં આજે આર.ટી.ઓ. દ્વારા યૂઝર આઇડી બ્લોક કરવાનો કઠોર નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં તમામ ડીલરોએ તા. 1-4-2019થી 13-5-2019 સુધી વાહન વેચાણ થયા હોય તેવી અરજીઓનો તાત્કાલિક નિકાલ કરાવી પેન્ડન્સી પૂર્ણ કરી લેવા સૂચના અપાઇ છે અને ત્યારબાદ બ્લોક કરવામાં આવેલી આઇ.ડી. પૂર્વવત કરવા અંગેની રજૂઆત વિચારણામાં લેવામાં આવશે તેવું શ્રી યાદવે અલગ અખબારી યાદીમાં જણાવ્યું હતું. આર.ટી.ઓ. દિલીપ યાદવે જણાવ્યું હતું કે, વાહન ડીલરો દ્વારા નોટિસ અને રૂબરૂ નિર્દેશના પાલન તરફ ઉદાસીનતા સેવવામાં આવી હોવાનું ફલિત થતાં આ પગલું લેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, વાહન ખરીદી બાદ તેના દસ્તાવેજ ત્વરાએ કચેરીએ પહોંચાડવાના હોવા છતાં ડીલરો તેવું ન કરી રહ્યા  હોવાથી વાહન ખરીદનારાઓને હાલાકી પડી રહી હતી. શ્રી યાદવે કહ્યું કે, જ્યાં સુધી પડતર કામ પૂરું નહીં કરાય ત્યાં સુધી જે તે ડીલરની યૂઝર આઇડી બ્લોક રહેશે અને તે નવા વાહનનું વેચાણ કરી શકશે નહીં. આમ છતાં જો કોઇ ડીલર વાહન વેચશે તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. દરમ્યાન, ડીલર વર્તુળો આર.ટી.ઓ.નાં પગલાં સામે નારાજગી દર્શાવી રહ્યા છે. આ સૂત્રોએ કહ્યું કે હકીકતે આર.ટી.ઓ.એ તેમના કર્મચારીઓ ગેરહાજર હોય અને વાહન નંબર ફાળવવામાં વિલંબ થતો હોય ત્યારે પણ કાર્યવાહી કરવી જોઇએ. જો કે, આર.ટી.ઓ.એ આ આક્ષેપ સંદર્ભે કહ્યું કે સ્ટાફની ઘટ હોવા છતાં અત્યારે કચેરી સમય કરતાં પણ વધુ સમય બેસી કર્મચારીઓ પોતાનું કામ કરી રહ્યા છે. - કયા ડીલર સામે પગલાં ? બી. મંગતરામ એન્ડ કું. (117) - બી. મંગતરામ એન્ડ સન્સ (139) - બી.એમ. ઓટોલિંક (75) - કાર્ગો ભુજ હોન્ડા (200) - કાર્ગો મોટર્સ પ્રા. લિ. (57 કોમર્શિયલ) - કાર્ગો મોટર્સ પ્રા. લિ. હોન્ડા (145) - કે. ડી. ઓટો (183) -કવોલિટી એન્ટરપ્રાઇઝ (222)  (કૌંસમાં રહેલી સંખ્યા પડતર સંખ્યા દર્શાવે છે.) 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer