કોઠારામાં પાંચ શિક્ષક, પાંચ વિદ્યાર્થી : વિજ્ઞાનપ્રવાહનું પરિણામ 20 ટકા !

મનોજ સોની દ્વારા   કોઠારા (તા. અબડાસા), તા. 15 : એક સમયે શિક્ષણક્ષેત્રે મોખરે રહેતા અને શિક્ષણનગરી તરીકે ઓળખાતા અને કચ્છ બહારથી પણ અભ્યાસ અર્થે આવતા આ ગામે હાલ શિક્ષણનું સ્તર અત્યંત કથળી ગયું છે અને હાલમાં જ ધો. 12નું સાયન્સનું પરિણામ માત્ર 20 ટકા આવ્યું છે, જે ગંભીર બાબત ગણી શકાય. શિક્ષકરત્નોની ખાણ ગણાતા કોઠારા ખાતે થોડાં વર્ષો પહેલાં શરૂ કરવામાં આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા (વિજ્ઞાન પ્રવાહ)ની ધો. 11-12ની હાલત દિન-પ્રતિદિન કથળતી જાય છે. અંદાજિત છ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી ધો. 11-12 વિજ્ઞાન પ્રવાહની આ શાળા શરૂઆતમાં મકાન ભાડે રાખી શરૂ થઇ. ત્યારબાદ સરકારી મંજૂરી મેળવી 1 કરોડના ખર્ચે નલિયા-ભુજ હાઇવે પર સરકારી શાળાની અદ્યતન બિલ્ડિંગ (સંકુલ) બનાવી, જેમાં શિક્ષણને લગતી તમામ સુવિધાથી સજ્જ તૈયાર કરી ચાલુ કરવામાં આવી હતી. જેમાં અંદાજિત 15 જેટલા રૂમો પણ બનાવવામાં આવ્યા. જેમાં લેબોરેટરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ગામના વિદ્યાર્થીઓને ભુજ-માંડવી બાજુ વિજ્ઞાન પ્રવાહ માટે જવું ન પડે તેવી સગવડો મળી રહી, પરંતુ શરૂઆતે જ આ નવી બિલ્ડિંગ બન્યા બાદ ધો. 12નું પરિણામ સદંતર નબળું આવતાં ધીરે ધીરે વિદ્યાર્થીઓ અહીં પ્રવેશ લેવાના બદલે ભુજ-માંડવી તરફ જતા રહ્યા છે. દર વર્ષે ઘટતી જતી વિદ્યાર્થીઓની સંખ્યાનું કારણ છે ઓછું પરિણામ. સાથેસાથે શિક્ષકોની ઘટનો પ્રશ્ન પણ સતાવી રહ્યો છે. ચાલુ વર્ષની વાત કરીએ તો આ વર્ષે ધો. 12માં માત્ર પાંચ જ વિદ્યાર્થીઓએ પ્રવેશ આ શાળામાં લીધો હતો, તેમાં પણ પાંચમાંથી 1 જ વિદ્યાર્થી પાસ બાકી 4 નાપાસ થયા છે. હાલમાં અહીં 3 શિક્ષકો કાયમી છે, તો 2 પ્રવાસી છે. તોય પરિણામ આ વર્ષે માત્ર 20 ટકા જાહેર થયું. આ અંગે અહીંના પ્રિન્સિપાલ શ્રી શ્રીમાળીને પૂછતાં શિક્ષક ઘટનો પ્રશ્ન જણાવી મૌન ધારણ કરી વધુ વિગતો જિલ્લા શિક્ષણાધિકારીને પૂછો એવો જવાબ આપ્યો હતો. ચાલુ વર્ષે જો અહીં વિદ્યાર્થીઓને એક એક શિક્ષકે સાચવી લીધા હોત તોય બધા પાસ થઇ ગયા હોત તેવો પ્રશ્ન જાગૃતો ઊઠાવી રહ્યા છે. શિક્ષણની કથળતી પરિસ્થિતિ વચ્ચે શિક્ષકો વિદ્યાર્થીઓને મહેનત કરાવે તેવું ગામલોકો ઇચ્છી રહ્યા છે. જેથી કોઠારાથી ભુજ-માંડવી પ્રવેશ માટે મોંઘી ફી ભરવાથી બચી શકાય. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી બી. એન. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ જ નબળું રહ્યું છે, તેથી તેમની ક્ષમતા નબળી રહી છે. જેમાં શિક્ષકો કેટલી મહેનત કરી શકે, બાકી વિદ્યાર્થીની સંખ્યા વધારવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer