કચ્છથી રેલમાર્ગે વધુ પરિવહન કરવા પ્રયાસ

ગાંધીધામ, તા. 15 : કચ્છથી રેલવે મારફતે વધુમાં વધુ પ્રમાણમાં માલનું પરિવહન થાય તે ઉદ્દેશસર  પશ્ચિમ રેલવે વિભાગના ડેપ્યુટી ચીફ ઓપરેશનલ  મેનેજરે  આજે કચ્છની મુલાકાત લીધી હતી. આ વેળાએ મીઠા ઉદ્યોગકારોના સૂચનો પણ લેવાયા હતા. માલ પરિવહનક્ષેત્રે અમદાવાદ ડિવિઝનમાં ગાંધીધામ મોખરે રહ્યુ છે. ત્યારે અત્રેથી હજુ પણ વધુમાં વધુ પ્રમાણમાં માલનું પરિવહન થાય તે માટેની  તકો અને સ્થિતિનો તાગ મેળવવા માટે આજે સવારે ડેપ્યુટી ચીફ ઓપરેશનલ મેનેજર નંદિ શુકલા ગાંધીધામની મુલાકાતે આવ્યા હતા. તેઓએ  રેલ માર્ગે   પરિવહનમાં   વધારો થાય તે સંદર્ભે   કંડલા, મુંદરા, તુણાની  લોડીંગ સાઈટોની  મુલાકાત લીધી હતી.  રેલવેના અધિકારી શ્રી શુકલાએ  નમક ઉદ્યોગકારો સાથે  બેઠક યોજી વિવિધ મુદે ચર્ચાવિચારણા કરી હતી. બેઠકમાં મીઠાઉદ્યોગકારોએ  કોસ્ટલ કન્ટેનરનું ભાડું વધારવામાં આવે તો  રેલ માર્ગે વધુ પ્રમાણમાં પરિવહન  થાય  તે સહિતના સૂચનો કર્યા હતા.  ભૂતકાળમાં રેકના અભાવે  માલ પડયો રહેતો  હતો. હાલ પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે. હાલ રેકોની સંખ્યામાં  વધારો થયો હોવાથી રેકો ખાલી પડી છે. જેને કારણે  રેલવે વિભાગે પરિવહન વધારવા પ્રયાસો હાથ ધર્યા  છે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer