ગાંધીધામ : ફ્રી હોલ્ડના કેસોને અટકવા નહીં દેવાય

ગાંધીધામ, તા. 15 : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના સચિવની તાત્કાલિક અસરથી પારાદીપ બદલી કરાતાં લીઝ હોલ્ડમાંથી ફ્રી હોલ્ડના લગભગ 30થી 40 કેસો અટકી પડવા સંભાવના ઊભી થઈ હતી. આજે સચિવ બિમલકુમાર   ઝાએ કોઈ કેસ અટકવા નહીં દેવાય તેવી ખાતરી આપી  હતી. લીઝ હોલ્ડ ટુ ફ્રી હોલ્ડના કન્વર્ઝન ડીડમાં ડીપીટી અધ્યક્ષે ડીપીટી વતી સહી કરવાની સત્તા સચિવને આપી છે. બીજી બાજુ રાજ્ય સરકારના સ્ટેમ્પ ડયુટી એક્ટમાં જો આ ડીડ છ મહિનામાં રજિસ્ટર ન થાય તો તે મૃત:પ્રાય થઈ જાય છે. જે સચિવે સહી કરી છે તેમની જ સહીથી રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. આજે રજામાંથી હાજર થયેલા સચિવ બિમલકુમાર ઝાનું આ અંગે ધ્યાન દોરવામાં આવતાં તેમણે કહ્યું હતું કે, સહીને કારણે કોઈ કેસ અટકવા નહીં દેવાય. અત્યારે જ્યાં સુધી તેઓ અહીં છે ત્યાં સુધી રજૂ થતા તમામ કેસમાં મોડે સુધી બેસીને પણ તેઓ સહી કરી જશે. તે સિવાય પરત આવીને પણ તેઓ સહી કરી જશે તેવું તેમણે ઉમેર્યું હતું.  લીઝ હોલ્ડરને સહીને લઈને આર્થિક ફટકો નહીં પડવા દેવાય તેવું પણ તેમણે ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી ઝા એકાદ સપ્તાહમાં અહીંથી છૂટા થઈને પારાદીપ જશે અને તેમનું સ્થાન વિશાખાપટ્ટનમથી આવતા ટી. વેણુગોપાલ લેશે. સંભવત: આવતા સોમવારે તેઓ હાજર થશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer