સરહદ ડેરીએ કચ્છની તમામ મંડળીઓને બોનસ જાહેર કર્યું

અંજાર, તા. 15 : કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ. સરહદ ડેરી દ્વારા વર્ષ 2018-19 દરમ્યાન દૂધ સંઘ સાથે સંકળાયેલા તમામ દૂધ મંડળીઓ/પશુપાલક મંડળો ગત વર્ષ દરમ્યાન સંઘમાં ભરાવેલા દૂધના 4.72 ટકા લેખે દૂધ ભાવફેરની ચૂકવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તમામ મંડળીઓને દૂધ સંઘ દ્વારા મગાવવામાં આવેલા જરૂરી આધારો મંડળીઓ દ્વારા જમા કરાવ્યેથી તાત્કાલિક ધોરણે મંડળીઓને ચૂકવણી કરવામાં આવશે. જેથી અછતના સમયમાં પશુપાલકોને દૂધ ભાવફેરની રકમ જરૂરી ઉપયોગી નીવડે તેવું ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં ખૂબ જ કપરી અછતની પરિસ્થિતિ છે, જેને અનુસંધાને દૂધ સંઘ દ્વારા વર્ષ દરમ્યાન દૂધના ભાવોમાં ઘટાડો કરવામાં આવ્યો નથી અને જો દૂધ ભાવફેર (બોનસ)ની રકમની ગણતરી દૂધની રકમ સાથે કરવામાં આવે તો ગુજરાતમાં સૌથી વધુ ભાવો ચૂકવતા સંઘોમાંથી એક આપણો દૂધ સંઘ છે તેમજ હાલમાં પણ દૂધના ખરીદ ભાવો વધારવા માટેની વિચારણા ચાલી રહી છે. અછતનાં કારણે પશુપાલકો દ્વારા સ્થળાંતર કરાયેલું છે. જેનાથી મંડળીઓના દૂધમાં ઘટાડો આવ્યો હોવાથી પરિવહન ખર્ચમાં પણ વધારો થયો છતાં પણ આવા રૂટ ચાલુ રાખી અને પશુપાલકોને વધુને વધુ આવરી લેવામાં આવ્યા છે તેમજ દૂધ ઉત્પાદનમાં ખર્ચ ના વધે તે માટે સરહદ દાણમાં 150 રૂપિયાની સબસિડી પણ આપવામાં આવે છે જે સબસિડી પણ વધારવા માટે દૂધ સંઘ દ્વારા વિચારણા કરાઈ રહી છે તેવું તેમણે જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer