બાળ-માતા મરણનો દર ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જિલ્લા કલેક્ટરની સૂચના

ભુજ, તા. 15 : બુધવારે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મળેલી જિલ્લા આરોગ્ય સંકલન સમિતિની બેઠકમાં માતા ને બાળ મરણનો દર ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જિલ્લા કલેક્ટરે આરોગ્ય તંત્રને સૂચના આપી હતી.  જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને મળેલી સંકલન બેઠકમાં તેમણે આરોગ્યની સેવા જિલ્લાના છેવાડાના લોકો સુધી પહોંચાડવા અને તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો 24 કલાક ખુલ્લા રહે અને દર્દીઓને ઈમરજન્સી સેવા મળી રહે તે માટે તેમણે જિલ્લા આરોગ્ય તંત્રને તાકીદ કરી હતી.  આ તકે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર ઉપલબ્ધ એમ્બ્યુલન્સ વાહન સજ્જ રાખવા અને જો કોઈ વાહન બંધ હોય તો તેને તાત્કાલિક શરૂ કરવા સૂચના આપી હતી.  આ ઉપરાંત આ બેઠકમાં ઓછા વજનવાળા બાળકોને બાલસખા યોજના હેઠળ સમજૂતી કરાર હેઠળની 22 જેટલી ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવા, જોખમી સગર્ભા માતાઓની જરૂર પડયે તેટલી વાર ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સોનોગ્રાફી કરાવવા, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોમાં યોગા શરૂ કરાવવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ખૂટતા સાધનોની પૂર્તતા કરવા, નવા આરોગ્ય માળખા માટે જમીન ઉપલબ્ધતાના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા સહિતના મુદ્દે સૂચનો કરાયા હતા.  અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017-18માં 48 માતા અને 901 બાળકના મરણ નોંધાયા હતા. જ્યારે 2018-19માં 53 માતા અને 928 બાળમરણ નોંધાયા છે.  આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પાંડે, અધિક આરોગ્ય અધિકારી ડો. કન્નર, સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચ, જિલ્લા રસીકરણ અધિકારી, તમામ તાલુકા આરોગ્ય અધિકારી, ગાંધીધામ, માંડવી હોસ્પિટલના અધીક્ષક તેમજ જિલ્લા અદાણી મેડિકલના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer