કચ્છને મળ્યા 81 એમ.બી.બી.એસ.

ભુજ, તા. 15 : જિલ્લામાં ખાલી પડેલી તબીબોની જગ્યા પર કમિશનર આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ (આરોગ્ય) વિભાગની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યની સાથેસાથે કચ્છમાં પણ 81 જેટલા તબીબોની નિમણૂક કરવા કવાયત હાથ ધરી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યની મેડિકલ કોલેજોમાંથી તબીબી સ્નાતક અભ્યાસક્રમ પૂર્ણ કરનારા અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ વર્ષ સુધી સેવાઓ આપવાની લેખિત બાંહેધરી સાથે કચ્છના વિવિધ સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં 28 અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 53 તબીબોની નિમણૂક કરવામાં આવી છે. જો કે સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબોને જગ્યા ફાળવી દેવામાં આવી છે. જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં તબીબો હાજર થયા બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જગ્યા ફાળવી નિમણૂકપત્રો અપાશે. આ તબીબોને માસિક રૂા. 60 હજાર ફિક્સ વેતન અપાશે. અન્ય કોઈ ભથ્થા કે ઈજાફા કે અન્ય લાભો મળવાપાત્ર થશે નહીં. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer