ધાર્મિક મિલકતોના ટ્રસ્ટના કેસમાં ભુજની મોટી પોશાળ જાગીર તરફે ચેરિ. કમિ.નો ચુકાદો

ભુજ, તા. 15 : અંજાર તાલુકાના વીરા ગામે આવેલી ધાર્મિક મિલકતો વિશેના કેસમાં રાજકોટ સ્થિત ચેરિટી કમિશનર દ્વારા આ મિલકતોમાં ભુજની મોટી પોશાળ જાગીરના પ્રવીણ મેરજી ગોરજીનો હક્ક હોવાનો આદેશ કર્યો હતો. રાજકોટ સ્થિત સંયુકત ચેરિટી કમિશનર પી.એમ.રાવલે ભુજના પ્રવીણ ગોરજી દ્વારા થયેલી રિવિજનને મંજૂર કરતાં અને નાયબ ચેરિટી કમિશનર ભુજ દ્વારા આ મામલામાં અગાઉ કરાયેલા હુકમને રદ કરતાં આ આદેશ કર્યો હતો. આ આદેશમાં નવેસરથી તમામ પક્ષકારોને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવાની તક આપીને તથા તમામ પક્ષકારોને સાંભળી ગુણદોષ ઉપર કેસનો નિકાલ કરવા જણાવાયું હતું.  વીરા ગામે હરસિદ્ધિ માતા, મંગલેશ્વર મહાદેવ અને શીતલા માતાજીના મંદિરના ટ્રસ્ટ સબંધી કેસમાં આ આદેશ કરાયો હતો. આ કેસમાં શ્રી ગોરજીના વકીલ તરીકે રાજકોટના રાજેશ યુ. પાટડિયા રહ્યા હતા. -  ડેવલોપર્સ વિરુદ્ધ ચુકાદો  - મુંદરા તાલુકાના ભુજપુર ગામે હપ્તાથી પ્લોટની જયોતિ કરમ પાર્ક યોજના જાહેર કર્યા બાદ આ યોજના પૂર્ણ થયા છતાં ગ્રાહકોને પ્લોટ ન આપનારા પંચરત્ન ડેવલોપર્સના સંચાલકો સામે કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ચુકાદો આપ્યો હતો.   આ પ્રકરણમાં રૂા. 67500થી રૂા. 75000 જેટલી રકમ હપ્તાના રૂપમાં ભરનારા ગ્રાહકો ધનજી મૂળજી મહેશ્વરી, ચંદુબાઇ માયા મહેશ્વરી, કેસરબેન મૂરજી મહેશ્વરી, રમેશ મનજી મહેશ્વરી, સોનબાઇ કે. વેલાણી વગેરેને યોજના પૂરી થયા છતાં પ્લોટ કે રકમ ન અપાતાં તેમણે ફોરમ સમક્ષ ફરિયાદો કરી હતી. ફોરમે આ ફરિયાદો માન્ય રાખીને ગ્રાહકોને તેમની રકમ નવ ટકા વ્યાજ અને ખર્ચ તથા માનસિક ત્રાસની રકમ સાથે ચૂકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે દિદાર એમ.સવાણી, રિદ્ધિ એચ. મહેતા અને વર્ષા બી. સોનેજી રહ્યા હતા.  - વીમા કંપની સામે ચુકાદો  - ભુજમાં ભુજિયા ડુંગર રિંગરોડ ઉપર હોતખાન મીરાની જતની ઘાસચારો ભરેલી ટ્રકમાં આગ લાગવાના કિસ્સામાં વીમા કંપની ઇફકો ટોકિયો વળતરની રકમ રૂા. 3.24 લાખ ચડત વ્યાજ ઉપરાંત ખર્ચ અને માનસિક ત્રાસની રકમ સાથે ચૂકવે તેવો આદેશ ફોરમ દ્વારા કરાયો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે મહેન્દ્ર દયારામ ઠકકર, કુલિન જે. ભગત અને અકુલ એ. અમૃતિયા રહ્યા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer