રાસાયણિક ખાતર, દવા, બિયારણ ખરીદતી વખતે ખેડૂતો કાળજી રાખે

ભુજ, તા. 15 : આગામી ખરીફ ઋતુને ધ્યાને લઇ કચ્છ જિલ્લાના તમામ ખેડૂત મિત્રને ખેતસામગ્રી (રાસાયણિક ખાતર, જંતુનાશક દવા તેમજ બિયારણ)ની ખરીદી વખતે કાળજી લેવા અનુરોધ કરાયો છે. ખેતસામગ્રીના પરવાના ધરાવતા વિક્રેતાની તેમજ ખરીદનાર ખેડૂતની સહી કરીને ખેતસામગ્રીની ખરીદી કરવી. બિલમાં ખેતસામગ્રીનું નામ, લોટ નંબર/બેંચ નંબર તેમજ વિક્રેતાની તેમજ ખરીદનાર ખેડૂતની સહી કરીને ખેતસામગ્રીની ખરીદી કરવી. મુદત વિતી ગયેલ બિયારણ, જંતુનાશક દવા ખરીદ કરવા નહીં. ખેતસામગ્રી સીલબંધ/પેકબંધ સ્થિતિમાં ખરીદ કરવા, રાસાયણિક ખાતરની ખરીદી સમયે આધારકાર્ડ સાથે રાખવું, રાસાયણિક ખાતરની થેલી ઉપર ફર્ટિલાઈઝર-ખાધ શબ્દ દર્શાવેલો હોય તે જ ખરેખર રાસાયણિક ખાતર છે. ફર્ટિલાઈઝર-ખાધ શબ્દ દર્શાવેલો  ન હોય તેવા કોઇ જ ખાતરો ખરીદવા નહીં. રાસાયણિક ખાતરની થેલી ઉપર દર્શાવેલા તત્વનું પ્રમાણ તમામ પ્રકારના યુરિયામાં એક સરખું 46 ટકા હોય છે તેથી તેની ખરીદી વખતે કોઇ કંપની/બ્રાન્ડ કે છાપનો આગ્રહ રાખ્યા સિવાય ખરીદી કરવી. બિયારણો શકય હોય ત્યાં સુધી વાદળી (ભૂરો) રંગના ટેગ/લેબલ હોય તેવા જ ખરીદવા. જંતુનાશક દવા ખરીદી વખતે પેકિંગ ઉપર બે ત્રિકોણ ભાગ કરેલા હોય અને તે ત્રિકોણમાં વાદળી, લીલો, લાલ અને પીળો રંગ અને `ઝેર' શબ્દ દર્શાવેલો હોય તેવી જંતુનાશક દવા ખરીદવી. આના સિવાયની દવાઓ જંતુનાશક દવા જ નથી તેથી તેની ખરીદી કરવી નહીં. વાવેતર કર્યા બાદ બિયારણ/જંતુનાશક દવા/રાસાયણિક ખાતરની ખાલી થેલીઓ તેમજ ખરીદ બિલ કાપણી સુધી સાચવી રાખવા.વધુ માહિતી/વિગતો સારુ તાલુકા કક્ષાએ ખેતીવાડી અધિકારી, જિલ્લા કક્ષાએ મદદનીશ ખેતી નિયામક (ગુણવત્તા નિયંત્રણ) તેમજ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), કચ્છ-ભુજની કચેરી ફોન નં. 02832-221038)નો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer