રાજસ્થાન સામે દિલ્હીની જીત

રાજસ્થાન સામે દિલ્હીની જીત
જયપુર, તા. 22 : શો, ધવન અને પંતની બેટિંગના બળે દિલ્હી કેપિટલ્સે અંતિમ ઓવરોમાં વાપસી સાથે રાજસ્થાન રોયલ્સ પાસેથી જીત છિનવી હતી. રહાણેની ઝમકદાર સદીથી રાજસ્થાને 20 ઓવરમાં છ વિકેટે 191 રન બનાવ્યા હતા, જવાબમાં દિલ્હીએ 19.2 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 193 રન બનાવી જીત દર્જ કરી હતી. લક્ષ્યનો પીછો કરતાં દિલ્હીએ મજબૂત શરૂઆત કરી હતી. ઓપનર શો (42) અને શિખર ધવન (27 દડામાં આઠ ચોગ્ગા, બે છગ્ગા સાથે 54)એ સ્કોરબોર્ડ ઝડપથી ગુમાવ્યું હતું. જો કે, ધવનની વિદાય પછી ઐયર (4) જલ્દી આઉટ થતાં રનગતિ થોડી ધીમી પડી હતી, પરંતુ પંતે બાજી સંભાળી હતી. અંતિમ ઓવરોમાં રૂધરફોર્ડ (11) સાથે આક્રમક ફટકાબાજીએ ટીમને 20મી ઓવરમાં જીત અપાવી હતી. અણનમ રહેલા પંતે માત્ર 36 દડામાં ઝમકદાર 78 રન બનાવ્યા હતા,  જેમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થયો હતો. રાજસ્થાન વતી ગોપાલે બે જ્યારે પરાગ અને કુલકર્ણીને એક-એક વિકેટ મળી હતી. અગાઉ દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરતાં મેદાન પર ઉતરેલી રાજસ્થાન રોયલ્સે સુકાની પદની જવાબદારીનો ભાર ઉતરતાં ખિલ્યો હોય તેમ અજિંકય રહાણેએ ફટકારેલી શાનદાર સદીની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 191 રનનો પડકારરૂપ સ્કોર ખડકી નાખ્યો હતો. સંજુ સેમસન ખાતું ખોલ્યા વિના રન આઉટ થઇ જતાં રાજસ્થાને માત્ર પાંચ રનમાં પહેલી વિકેટ ખોઇ દીધા પછી છેલ્લા દડા સુધી ક્રીઝ પર અણનમ ટકી રહેલા આજિંકય રહાણેએ વિસ્ફોટક સદી ફટકારીને હરીફ દિલ્હી ટીમની છાવણીમાં સોપો પાડી દીધો હતો. રહાણેએ રંગ રાખતાં માત્ર 63 દડામાં 11 ચોગ્ગા અને ત્રણ સણસણતા છગ્ગા સાથે 105 રન ફટકારી દીધા હતા. અને ક્રિકેટ રસિકોને ભરપૂર મનોરંજન પૂરું પાડયું હતું. સામા છેડે અર્ધસદી ફટકારીને સાથ આપનારા સુકાની સ્ટિવ સ્મિથે 32 દડામાં 8 ચોગ્ગા સાથે 50 રન કર્યા હતા. પછી પટેલના દડામાં મોરિસને કેચ આપી બેસતાં વિકેટ ખોઇ બેઠો હતો. સ્ટુઅર્ટ બિન્નીએ 13 દડામાં બે ચોગ્ગા સાથે 19 રન કર્યા હતા. રાજસ્થાને છેલ્લી પાંચ ઓવરમાં 4 વિકેટ ખોઇ દીધી હતી. દિલ્હી તરફથી રોયલ્સની બિન્ની અને પરાગનાં રૂપમાં છેલ્લી બે વિકેટ લેનારા રબાડાએ દાવના છેલ્લા દડે પરાગની વિકેટ લીધી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer