`આ ચૂંટણી સત્તા નહીં, ભારતના આત્મા માટેની લડાઇ છે''

`આ ચૂંટણી સત્તા નહીં, ભારતના આત્મા માટેની લડાઇ છે''
દીપક માંકડ 17મી લોકસભા ચૂંટણીનો માહોલ દેશભરમાં જામ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રવાદનો એજન્ડા લઇને એનડીએ સરકારની પુન:સ્થાપના માટે મત માગી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી તેમના સામે બાથ ભીડી રહ્યા છે. ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના લડાયક દેખાવ પછી રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસ હિન્દી પટ્ટાના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપના શાસનનો અંત આણીને સત્તા કબજે કરી અન્ય 2019ના નિર્ણાયક જંગમાં ઉતરવા માટે ઉત્સાહનો સંચાર થયો. કોંગ્રેસને સમગ્ર દેશમાં આ વખતની ચૂંટણીને મોદી વિરુદ્ધ મહાગઠબંધન તરીકે લઇ જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનું ધાર્યું થયું નથી. ભાજપના ઉદય પછી કોંગ્રેસ નબળી પડી અને પ્રાદેશિક પક્ષોનો વિશ્વાસ ગુમાવ્યો. ઉત્તર પ્રદેશમાં બસપા સપાએ અલાયદા યુતિ કરી આવા સંજોગોમાં કોંગ્રેસના સુકાની દેશભરમાં ફરીવળીને મોદીને શિકસ્ત આપવા ઝઝૂમી રહ્યા છે. તેમનાં સમર્થનમાં પહેલીવાર પ્રિયંકા વાડરા પણ સક્રિય રાજનીતિમાં પ્રવેશ્યાં. રાફેલ સોદામાં કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો જોરશોરથી ચગાવી રહેલા રાહુલને વિશ્વાસ છે કે કોંગ્રેસ સાથી પક્ષોના સમર્થન સાથે કેન્દ્રમાં સરકાર રચવામાં સફળ થશે. કોંગ્રેસ પ્રમુખના 18મી એપ્રિલના કચ્છ-ગુજરાતની મુલાકાતના બીજા દિવસે દિલ્હીથી `જન્મભૂમિ પત્રો'નો સંપર્ક સાધવામાં આવ્યો અને રાહુલ ગાંધીએ મુલાકાત આપવા માટે અન્ય કેટલાંક પ્રાદેશિક અખબારોમાં `કચ્છમિત્ર'ની પસંદગી કર્યાનું જણાવ્યું. ત્યાંની કચેરી સાથે બે-ત્રણવાર ટેલિફોનિક સંપર્ક પછી પ્રશ્નો ઇ-મેઇલ્સથી મોકલ્યા અને તેના પ્રત્યુત્તર અગાઉ કહ્યા પ્રમાણે રવિવારને બદલે સોમવારે બપોરે મળ્યા. રાહુલને ગુજરાતની સાંપ્રત પરિસ્થિતિ, રાજ્યના વધુ વિકાસ માટેના એજન્ડા ઉપરાંત તેમના દિવંગત પિતા રાજીવ ગાંધીએ વડાપ્રધાન તરીકેના પોતાના કાર્યકાળ દરમ્યાન કચ્છને સરહદી વિસ્તાર વિકાસ યોજનામાં સમાવિષ્ટ કરીને લાભ આપ્યો હતો. દેશ માટે સંવેદનશીલ એવા આ ક્ષેત્ર માટે કોંગ્રેસનો કોઇ ખાસ કાર્યક્રમ છે એવા પણ પ્રશ્ન કરવામાં આવ્યા હતા. દિલ્હીથી ઇ-મેઇલ મારફત મળેલી વિગતમાં જોકે આ પ્રશ્નો અનુત્તર રહ્યા છે. રાહુલજી સાથેની પ્રશ્નોત્તરી અહીં પેશ કરી છે. * આ વખતે સામાન્ય ચૂંટણીના પરિણામની કેવી અપેક્ષા છે ? શું આપ પોતાને ભારતના હવે પછીના વડાપ્રધાન તરીકે જુઓ છો ?> મને વિશ્વાસ છે કે,કોંગ્રેસ સારો દેખાવ કરશે અને કેન્દ્રમાં યુપીએની સરકાર રચાશે. વડાપ્રધાન કોણ બનશે તેનો નિર્ણય ચૂંટણી પછી ભારતની જનતાના અવાજને ધ્યાનમાં રાખીને લેવાશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સત્તામાં આવે, તો આપ કયા બદલાવ લાવશો ? કોંગ્રેસ સત્તામાં આવે તો અમે મુખ્યત્વે રોજગારની તકો સર્જવા, ખેડૂતોની હતાશા દૂર કરવા, અર્થવ્યવસ્થાને વેગ આપવાની સાથે મહિલા સશકિતકરણ પર ધ્યાન કેન્દ્રીત કરીશું. ન્યાય યોજના, જીએસટીમાં સુધારો, કિસાનો માટે અલગ બજેટ અને મહિલા અનામત ખરડો પસાર કરીને આ બદલાવો લાવશું. એનડીએ સરકારે ભારતીય અર્થવ્યવસ્થાની નાણાકીયનીતિમાં તળિયામાંથી ધરખમ ફેરફારો કર્યા છે. જીએસટી, પ્રત્યક્ષ અને પરોક્ષ વેરા, પાડોશી દેશો સાથે આયાતનીતિ જેવા ભારતીય આર્થિક નીતિમાં બદલાવોએ ભારતીય વાણિજ્ય અને નિર્માણ ઉદ્યોગો પર અસર કરી હોવાનું તમે માનો છો ? એનડીએ સરકારે કરેલા પૈકીના ઘણા બદલાવોએ ભારતીય વેપાર-કારોબાર, નિર્માણ ઉદ્યોગો પર અવળી અસર કરી છે, નોટબંધી અને જીએસટીથી ભારતીય અર્થતંત્રને લાંબો ફટકો પડયો છે. આ બે આફત સમાન નીતિઓના અમલ પહેલાં જે સ્થિતિમાં હતા તે પાછી મેળવવા ઘણા ઉદ્યોગો હજુ સંઘર્ષ કરી રહ્યા છે. આ બે નીતિઓના કારણે હજારો નોકરીઓનું નુકસાન થયું છે અને આર્થિક વિકાસદર રૂધાંયો છે. જીએસટી સુધારીને આ વિકટ સ્થિતિને અટકાવી શકાશે તેવી આશા છે. * કોંગ્રેસ ગુજરાતમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ભારે મજબૂતીથી લડી. ગુજરાતમાં સત્તા પર આવવાથી પથ્થર ફેંકવા જેટલા અંતર સુધી કોંગ્રેસે મહત્વપૂર્ણ સંખ્યામાં બેઠકો જીતી. સંસદીય ચૂંટણીમાં ભૂતકાળની મતદાનની પેટર્ન જોતા આપની શું અપેક્ષા છે ? હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર પરિબળ મતદારના મન પર આ ચૂંટણીમાં કેવી અસર કરશે ? ગુજરાતમાં અમારી મજબૂત હાજરી છે. અમે વિધાનસભા ચૂંટણીમાં ખૂબ સારો દેખાવ કર્યો, આ વખતે બેઠકોમાં વધુ સુધારો કરીશું. આપ ગુજરાત રાજ્યમાં કોંગ્રેસનું અદ્ભૂત પ્રદર્શન જોઈ શકશો. રાજ્યના સુરત જેવા ભાગોમાં નોટબંધી અને ગબ્બરસિંહ ટેકસે કારોબાર, ઉદ્યોગો ભાંગી નાખતા બેરોજગારી વધારી છે. લોકોમાં આક્રોશ છે અને પરિવર્તન ઝંખે છે. આપની `ન્યાય' યોજના વિશે કહો, કઈ રીતે અમલી કરશો ? અમે `ન્યાય' યોજના માટે અગ્રણી અર્થશાત્રીઓ અને તજજ્ઞો સાથે કામ કરી રહ્યા છીએ. આ એક સીમાચિહ્નરૂપ યોજના બનશે જેના હેઠળ દેશના 20 ટકા અર્થાત પાંચ કરોડ સૌથી ગરીબ કુટુંબો દર વર્ષે રૂા. 72 હજાર મેળવશે. ન્યાય એ ગરીબી પર કોંગ્રેસનો અંતિમ હુમલો છે. ન્યાય એ માત્ર ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઈક નહીં હોય, પરંતુ દેશની અર્થવ્યવસ્થાને પણ ગતિ આપશે. કોંગ્રેસની સરકાર સત્તા પર આવ્યા પછી આપે ન્યાય યોજનાના અમલની કોઈ સમયમર્યાદા નક્કી કરી છે ? ભારતને ગરીબી મુક્ત કરવા માટે લક્ષ્યાંક વર્ષ કયું છે ? અમે જીએસટી જેમ નહીં કરતા રાષ્ટ્રવ્યાપી અમલ પહેલાં અમલીકરણની ખામીઓ દૂર કરીને સરળ અમલ માટે અમે પહેલા પ્રાયોગિક ધોરણે વ્યાપક આયોજન હાથ ધરીશું. અમે ન્યાય યોજનાના માધ્યમથી 2030 સુધીમાં ભારત દેશમાંથી ગરીબી દૂર કરવા આશાવાદી છીએ. * નિ:સંદેહ ન્યાય યોજના સારી છે પરંતુ દેશના અર્થતંત્રને એનો બોજ પોષાશે ? અમે નાણાકીય દ્રષ્ટીએ સમજદાર સરકાર આપવા પ્રતિબદ્ધ છીએ. અમે ન્યાય યોજના માટે વ્યવસ્થિત ગણિત રચ્યું છે. આ યોજના નાણાકીય સમસ્યા નહીં બને. હકીકતમાં તો ગરીબોના ગજવામાં પૈસા આવતાં આર્થિક વિકાસને ગતિ મળશે. અમે તજજ્ઞોની સલાહ વિના નોટબંધી, જીએસટી જેવા પગલા ઉતાવળમાં લેતા નથી. આ યોજના સફળતાથી અમલી કરવા માટે સીસ્ટમમાં પૂરતા પૈસા છે જ. * કૃષિક્ષેત્રમાં હતાશાનો માહોલ સર્વકાલિન ટોચે છે. એવું તમારું કહેવું છે. આ હતાશા દૂર કરવા આપની સરકાર કઈ નીતિઓ અમલી કરશે ? હું માનું છું કે, કૃષિ ભારતની વ્યૂહાત્મક સંપત્તિ અને શકિત છે. ભાજપની સરકારે રોજના 3.5 રૂપિયા ખેડૂતને રોકડ આપવાની જાહેરાત કરી, જેનાથી કિસાનોની આર્થિક ચિંતા દૂર કરવાની દિશામાં કંઈ જ નથી થવાનું. કૃષિ દેવા માફીથી ભારતીય કિસાનોના પ્રશ્નો નહીં ઉકેલાય. ખરેખર સમસ્યાઓ દૂર કરવા માટે ખેડૂતોને ટેકનોલોજી અને વૈશ્વિક બજાર સાથે જોડવાની કોલ્ડચેઈન ફૂડ પ્રોસેસિંગ યુનિટસ, સંગ્રહની સુવિધાઓ આપવાની જરૂર છે. ભારતીય કૃષિનો ચહેરો બદલી નાખે તેવી બીજી હરિતક્રાંતિ માત્ર કોંગ્રેસ લાવી શકશે. * ન્યાય યોજના ઉપરાંત આપના ઘોષણાપત્રમાં અન્ય કઈ ચાવીરૂપ યોજનાઓને અગ્રતા અપાશે ? અમારા ઘોષણાપત્રમાં ન્યાય યોજના સૌથી મોટી પહેલ છે. એ ઉપરાંત અન્ય ઘણી નવતર યોજનાઓ પણ છે. અમે લોકસભામાં મહિલા અનામત ખરડો પસાર કરી કેન્દ્ર સરકારની નોકરીમાં 33 ટકા અનામત આપશું. શિક્ષણ પર ખર્ચ વધારીને જીડીપીના છ ટકા કરાશે. અમે ઉદ્યોગો, સેવાઓ અને રોજગારનું નવું મંત્રાલય શરૂ કરશું. સાથોસાથ સરકારમાં ખાલી પડેલી 22 લાખ જગ્યા ભરવાનું વચન આપીએ છીએ. વધુમાં ગ્રામવિકાસ માટે અલગ કિસાન બજેટ લાવીને ખેડૂતોને મળવાપાત્ર વળતર આપશું. * શું આ ચૂંટણી આઝાદ ભારતનો સૌથી મહત્ત્વનો સંગ્રામ છે ? આ ચૂંટણી સત્તા માટેની નહીં, પરંતુ ભારતના આત્મા માટેની લડાઈ છે. અર્થવ્યવસ્થાની ખરાબ હાલત કૃષિક્ષેત્રમાં હતાશા, રોજગારની તીવ્ર અછત, ઉપરાંત બિનસાંપ્રદાયિકતા વૈવિધ્ય જેવા આપણા સૌથી મહત્વના મૂલ્યો પર હુમલા થયા છે. આરબીઆઈ, સીબીઆઈ, સુપ્રીમ કોર્ટ જેવી બંધારણીય સંસ્થાઓ પર પદ્ધતિસર હુમલા થયા છે. આપણા બાળકો ભણે છે, તે પાઠયપુસ્તકોના અભ્યાસક્રમમાં પણ ભારત અંગે આરએસએસની વિચારધારા થોપવા માટે ફરી ઉમેરા, સુધારા કરાય છે. આ કેમ ચાલે ?

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer