આજે મતદાનનો તખતો તૈયાર

આજે મતદાનનો તખતો તૈયાર
ભુજ, તા. 22 : કચ્છ લોકસભા માટે કાલે 23મીએ સવારથી મતદાન થવાનું છે ત્યારે જિલ્લાના ચૂંટણીતંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરીને કચ્છ અને મોરબીના 17.30 લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ મળીને 10 દાવેદારો મેદાનમાં છે ત્યારે આ તમામ ઉમેદવારોનું ભાવિ સીલ થવાનું છે જ્યારે એક મહિના બાદ 23મી મેના કચ્છના સાંસદ કોણ બનશે એ પરિણામમાં જાહેર થશે. કચ્છની છ અને એક મોરબીની મળી સાત વિધાનસભા બેઠકો પરના 2137 મતદાન મથકોએ સવારે સાતથી સાંજે છ વાગ્યા દરમ્યાન મતદારો નિર્ભયતાથી મતદાન કરી શકે એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ્યો છે. ભુજની ઇજનેરી કોલેજ ખાતેથી 2137 મતદાન મથકો માટે 8500 પ્રિસાઇડિંગ ઓફિસરથી માંડી તમામ પોલિંગ સ્ટાફને 212 એસ.ટી.ની બસોમાં ઇ.વી.એમ. મશીન ઉપરાંત મતદાનને લગતી તમામ સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યા હતા. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ. બી. પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે 8500 પોલિંગ સ્ટાફ ઉપરાંત પાંચ હજાર પોલીસ જવાનોને તમામ બૂથ પર રવાના કરી દેવાતાં રાત્રે બૂથ પર તૈનાત કરવામાં આવશે. સ્ટાફને જે તે મતદાન મથકે પહોંચાડવા માટે 212 એસ.ટી. બસો, 305 નાના વાહનો અને 55 નાની બસોને ઉપયોગમાં લેવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય એ માટે રવિવારે સાંજથી કચ્છના તમામ સ્થળે સામૂહિક પ્રચાર બંધ કરી દેવામાં આવ્યા હતા. 17મી લોકસભાની ચૂંટણી માટે મંગળવારે કચ્છમાં કલેક્ટરે જાહેરનામું બહાર પાડી જાહેર રજાનો હુકમ કર્યો હોવાથી વધુને વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે. ચૂંટણી જાહેર થયા પછી ચૂંટણી માટેની આચારસંહિતાની અમલવારી શરૂ થતાં જ એક મહિના દરમ્યાન કેટલીક રસપ્રદ બાબતો પણ સામે આવી છે. આવતીકાલે જે કચ્છના 1846 મતદાન કેન્દ્ર છે તેમાંથી છ બૂથ એવા છે જ્યાં કોઇપણ સંદેશાવ્યવહારની સુવિધા નથી અને આ છ એ છ બૂથ અબડાસા મત વિસ્તારમાં આવે છે. બી.એલ.ઓ., મધ્યાહન ભોજનના સંચાલકોની મદદ લઇ જ્યાં નજીકના વિસ્તારમાં મોબાઇલ નેટવર્ક મળતા હોય તેવી ટેકરાવાળી જગ્યાએ ઊભા રાખવાનું જણાવાયું છે. વળી દરેક વિધાનસભાદીઠ એક બૂથ એવું છે જ્યાં તમામ સ્ટાફ દિવ્યાંગ છે અને પોલિંગ સ્ટાફ દિવ્યાંગ જાતે જ ચલાવશે અને લોકોને મતદાન કરાવશે તો દરેક બેઠકદીઠ પાંચ-પાંચ સખી મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે જ્યાં માત્ર મહિલાઓ જ સંચાલન કરશે. એવા 30 સખી મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. જુમારા, સુજાપર, સણોસરા, કરોડિયા મોટા, નારાણપર, પાનેલી એમ આ અબડાસા વિધાનસભાના છ બૂથ છે જ્યાં મોબાઇલ ટાવર નહીં હોવાથી કોઇ મોબાઇલ લાગતા નથી અને જ્યાં મતદાન મથક છે ત્યાં એકેય લેન્ડલાઇન ફોન પણ નથી આવા સ્થળોએ ચૂંટણીપંચે વાયરલેસ સેટ તૈયાર રાખ્યા છે. પોલીસ અને વનતંત્રની ટીમના વાયરલેસ સેટ તૈયાર રાખી બૂથ પર કોઇ આકસ્મિક સંપર્ક સાધવાની જરૂર પડે તો વાયરલેસ સેટ વડે સંપર્ક થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer