કચ્છમાં દાડમનાં વાવેતર સામે કપાસ હાંફ્યું...

કચ્છમાં દાડમનાં વાવેતર સામે કપાસ હાંફ્યું...
વસંત પટેલ દ્વારા કેરા, (તા. ભુજ), તા 22 : કચ્છનો કિસાન વધુ આવકની આશાએ દાડમની ખેતી તરફ વળી પડતાં છેલ્લા બે વર્ષથી કપાસનું વાવેતર અને ઉત્પાદન ઘટવા લાગ્યું છે. ઓણસાલ 30 હજાર ગાંસડીના ઘટાડાની ધારણા છે. વેપારીઓ આવતા વર્ષે આવકો વધુ ઘટવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. હાલ વિશ્વમાં સૌથી વધુ કપાસના ભાવ ભારતમાં નોંધાયા છે એટલે નિકાસ કરવાની જરૂર ઊભી થઈ જ નથી. એક વખતે નાળિયેર ખોદી કાલીપતિ ચીકુ અને ઝરપરાની ખારેક તરફ દોટ મૂકનાર ધરતીપુત્રો હાલ લાલચટક સિંધુરિયા દાડમ તરફ વળી પડતાં શ્વેત ડોલરિયા કપાસને હાર ખમવી પડી છે. કચ્છમાં ઓણસાલ 30 હજાર ગાંસડી અંદાજે 62 કરોડ રૂપિયાની કિંમતના કપાસનું ઓછું ઉત્પાદન નોંધાયું છે. 356 કિલો વજનની ખાંડીના ભાવ 45000ની આસપાસ છે, તે વિશ્વમાં સૌથી વધુ છે. સરકાર 2180 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી કરી રહી છે. ચાલુ સપ્તાહે 40 કિલોના મણનો ભાવ 24થી 2500 વચ્ચે રહ્યો હતો. ગત વર્ષે માર્ચ અંત સુધી 3,09,460 ગાંસડીની આવકો નોંધાઈ હતી. જે ઓણસાલ 2.96 લાખે છે. સિઝન પૂર્ણ થતાં આ અંતર 30 હજારનું થશે તેવું કચ્છ કોટન એસોસિયેશન પ્રમુખ શિવજીભાઈ છભાડિયા અને મંત્રી શિરીષ હરિયાએ કચ્છમિત્રને એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું. નારાણપર-ભુજ માર્ગે શ્રીજી કોટન મિલના પ્રેમજીભાઈએ કહ્યું, દૈનિક 15થી 17 ટ્રક ખપત સામે માત્ર 7થી 8 જ આવક છે. જેથી રાત્રે જ મિલ ચલાવાય છે. ટેકાના ભાવ કરતાં ખેડૂતોને વધુ કિંમત મળી રહી છે. આમ તો ભારતભરમાં કપાસનું વાવેતર ઘટયું છે. કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર બીજી એપ્રિલના 75 હજાર ગાંસડીની આવક હતી, જે ગત વર્ષે 1.35 લાખ હતી. ભારતીય કપાસ નિગમે પણ ખરીદી ધીમી કરી નાખી છે. ચાલુ વર્ષે તેણે માત્ર 10.7 લાખ ગાંસડી ખરીદી હતી. કચ્છની વાત કરીએ તો બાગાયતી પાકોના વધુ વાવેતર છે, સામે દુષ્કાળ વર્ષનાં કારણે કપિત ઉત્પાદન શૂન્ય છે. સૌથી વધુ ફટકો લખપત અને અબડાસાને છે, તો રાપરમાં જીરુંએ વિક્રમ સર્જ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારે ચડ-ઊતરથી થાકી ગયેલા ખેડૂતોને દાડમમાં રંગ દેખાય છે અને એટલે જ કપાસ હાંફયું છે. જો કે ઓણસાલ ભાવ ચાખતાં આવતા વર્ષે રૂની સફેદીનું આકર્ષણ વધશે તેમ કિસાનો કહી રહ્યા છે. અલબત્ત જીનિંગ મિલોને ફટકો ખમવો પડી રહ્યો છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer