ગાંધીધામમાં રેલવે લોકો પાઈલટના દેખાવ

ગાંધીધામમાં રેલવે લોકો પાઈલટના દેખાવ
ગાંધીધામ, તા. 22 : રેલવેના લોકો પાઈલટના પડતર પ્રશ્નો અંગે વ્યાપક રજૂઆતો છતાંય કોઈ નિવેડો ન આવતાં ગાંધીધામ ખાતે સેંકડો લોકો પાઈલટો દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ફરજ ઉપર રહેલા પાઈલટોએ કાળી પટ્ટી પહેરી ફરજ બજાવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ રનિંગ સ્ટાફને કિલોમીટર એલાઉન્સ આગામી તા. 31 માર્ચ 2019 સુધીમાં આપવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ આ ખાતરીનું આજદિન સુધી અમલીકરણ ન કરાતાં ભારતીય રેલવેમાં દેશભરમાં આજે વિશ્વાસઘાત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઓલ ઈન્ડિયા રનિંગ લોકો સ્ટાફ એસોસીએશનની સેન્ટ્રલ વર્કિંગ કમિટીના આદેશ મુજબ ગાંધીધામ શાખા દ્વારા ક્રૂ લોબી ખાતે આજે સવારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વેળાએ પાઈલટ અને સહાયક પાઈલટોએ વિવિધ સૂત્રોચ્ચારો પોકાર્યા હતા. જો રનિંગ સ્ટાફની માંગ અંગે તુરંતમાં નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી 16 અને 17 જુલાઈના ઉપવાસ આંદોલન સહિતના ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમ યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ કાર્યક્રમ દરમ્યાન સી.ડબલ્યુ.સી. સભ્ય મુનીરામ મીના, ગાંધીધામ શાખા સચિવ નરસિંહ ચપરાના, કાર્યકારી અધ્યક્ષ બાલક્રિષ્ન એલ, બારીદ બારન, દેવ કૃષ્ણ સહિતનો રનિંગ સ્ટાફ જોડાયો હતો. લોકો પાઈલોટ અને સહાયક પાઈલટોએ કાળી પટ્ટી ધારણ કરી હતી. સેંકડો કર્મચારીઓ આંદોલનમાં જોડાયા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer