મતદાન માટે કચ્છભરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા

મતદાન માટે કચ્છભરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા
ભુજ, તા. 22 : લોકસભાની ચૂંટણી માટે કચ્છ સહિત ગુજરાત રાજ્યમાં આવતીકાલે યોજાનારા મતદાનની પ્રક્રિયા સુપેરે અને નિર્વિઘ્ને પાર પાડવા માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા જડબેસલાક અને અભૂતપૂર્વ કહી શકાય તેવી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે. લોકશાહીના આ સૌથી મોટા યજ્ઞને સરળતાથી સંપન્ન કરવા માટે ગોઠવાયેલી બંદોબસ્ત સ્કિમને અંતિમ ઓપ અપાઇ ચૂકયો છે. ચૂંટણીપંચના સ્પષ્ટ આદેશ અનુસાર આ વખતે પોલીસદળ દ્વારા કેટલા અધિકારીઓ અને કેટલા કર્મચારીઓ ફરજ બજાવશે તથા કેટલા વાહનો ફરજમાં મુકાશે તેવી કોઇ જ આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવી નથી. આ બાબતે સ્થાનિક ગુપ્તચર શાખાના વડા પોલીસ ઇન્સ્પેક્ટર બી.આર. ડાંગરનો સંપર્ક કરતાં તેમણે ચૂંટણીપંચ દ્વારા પોલીસ માટે વિગતો જાહેર કરવા ઉપર પાબંદી મુકાઇ હોવાની વિગતો આપી હતી. દરમ્યાન આધારભૂત સૂત્રો પાસેથી મળી રહેલી જાણકારી અને જોવા મળી રહેલા ધમધમાટ મુજબ પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં મતદાનની પ્રક્રિયા માટેની સુરક્ષા વ્યવસ્થા મજબૂત રીતે ગોઠવવામાં આવી છે. બન્ને પોલીસ જિલ્લાના તમામ મતદાન બૂથ અને સંલગ્ન માર્ગો અને વિસ્તારને સુરક્ષા વ્યવસ્થા તળે આવરી લેવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયાને આજે સાંજ સુધીમાં આખરી ઓપ અપાઇ ચૂકયો છે. મતદાનની કાર્યવાહી માટેના આ સુરક્ષા બંદોબસ્તમાં પોલીસ અધિકારીઓ ઉપરાંત સ્ત્રી-પુરુષ કર્મચારીઓ તથા ગૃહરક્ષક દળના સભ્યો, ગ્રામરક્ષક અને સાગરરક્ષક દળના સભ્યો ઉપરાંત રાજ્ય અનામત પોલીસ અને અર્ધલશ્કરી દળોની મદદ પણ લેવામાં આવી છે. ચૂંટણી માટેની ફરજમાં નાના-મોટા વાહનોની ફોજ તૈનાત કરવામાં આવી છે. તો ફરજ ઉપરના સ્ટાફને જરૂરી હથિયારો અને સંદેશાવ્યવહારનાં સાધનોથી પણ સુસજજ કરી દેવામાં આવ્યા છે. જ્યાં સ્થિતિ બગડી શકે તેમ હોય તેવા મતદાન મથકો ખાતે સુરક્ષાની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સાથેસાથે ગ્રુપ પેટ્રોલિંગ અને આંતરિક પેટ્રાલિંગ સહિતનાં પગલાં પણ બન્ને પોલીસ જિલ્લામાં અમલી બનાવવામાં આવ્યાં છે. તો અમુક જગ્યાએ ઘોડેસવાર જવાનોનું પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવ્યું છે. કચ્છ સહિત ચાર જિલ્લાને સાંકળતી પોલીસની સરહદ રેન્જના વડા ડી.બી. વાઘેલાની નિગરાનીમાં પૂર્વ કચ્છમાં પોલીસ અધીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં અધીક્ષક સૌરભ તોલંબિયાની આગેવાનીમાં બંદોબસ્ત સ્કિમ ગોઠવવામાં આવી છે. દરમ્યાન, રાપરથી પ્રતિનિધિના જણાવ્યાનુસાર રાપર વિધાનસભા મતવિસ્તારમાં લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્રનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણી માટેના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસવડા પરિક્ષીતા રાઠોડના માર્ગદર્શન હેઠળ ભચાઉ નાયબ પોલીસવડા કે. જી. ઝાલાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાપર વિધાનસભા મત વિસ્તારમાં રાપર, ભચાઉ?તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય છે. રાપર વિધાનસભા મતવિસ્તારના 293 બૂથમાંથી 93 બૂથ સંવેદનશીલમાં આવી રહ્યા છે અને 20 રૂટ?દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ માટે ટીમ કાર્યરત કરવામાં આવી છે. તેમની સુરક્ષા માટે એક નાયબ પોલીસ અધીક્ષક, એક પોલીસ ઇન્સ્પેક્ટર, 12 પી.એસ.આઇ., એક કંપની પેરા મિલિટરી ફોર્સ, 207 પોલીસ કર્મચારી, હોમગાર્ડ-જીઆરડી 376 મળીને 661નો સુરક્ષા સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. ઉપરાંત આ તમામ રૂટ અને મતદાન મથક પર રાઉન્ડ ધ ક્લોક નિરીક્ષણ રાપર સીપીઆઇ?આર. એલ. રાઠોડ, રાપર ઇન્ચાર્જ પી.આઇ. એચ. જી. ગઢવી, વી. જી. લાંબરિયા, આર. ડી. ગોંજિયા સહિતના પોલીસ અધિકારીઓ કરશે. વાગડ વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે પોલીસતંત્રએ જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો હોવાનું ઉમેર્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer