દર ચૂંટણીમાં ઓમાનથી ભુજ માત્ર મતદાન માટે...

દર ચૂંટણીમાં ઓમાનથી ભુજ માત્ર મતદાન માટે...
ભુજ, તા. 22 : મતદારોનો કોણ ખ્યાલ રાખે છે ? કામ કોણ કરે છે ? પીવાનું પાણી મળતું નથી, રસ્તા સુધરે તો લાઈટ બંધ, મોંઘવારી વચ્ચે પેટ્રોલ ઘટે તો ડીઝલ વધે, તેલ, ખાંડ નીચા આવે જ નહીં. આવામાં શું કામ મત દેવા જવું ? રજા છે નિરાંતે તડકાથી બચીને ઘેર બેસી ટી.વી. ન જોઈએ !!! આવું કહેનારાઓને મૂળ ભુજના અને 44 વર્ષથી ઓમાન રહેતા ચિત્રકુમાર મહાવીરસિંહ સરદાર પાઠ ભણાવવા દર લોકસભા ચૂંટણીમાં ભુજ આવે છે, મતદાન કરે છે અને સાંજે નીકળી જાય છે. મતનું દાન શા માટે, મત તો મારો અધિકાર છે તેવા શબ્દો સાથે અખાત રાષ્ટ્રથી કચ્છ સુધી આવેલા આ મતદારને મળવા જેવું છે. ભુજમાં એડવોકેટ એમ.બી. સરદારને ભાગ્યે જ કોઈ ન ઓળખતું હોય ! શ્રી સરદારના પુત્ર અને 44 વર્ષથી ઓમાનને કર્મભૂમિ બનાવનાર તથા સી.એમ. સરદારના નામે ઓળખાતા આ `સવાયા કચ્છી' મતદારને 50 વર્ષ જૂના બે ગોઠિયા નિવૃત્ત બેન્કર અને સંગીતજ્ઞ ભરતભાઈ ગાંધી તથા જૂની પેઢીના ક્રિકેટર પ્રદીપભાઈ ઝવેરી `કચ્છમિત્ર'માં લાવ્યા ત્યારે તેમનો પ્રથમ શબ્દ હતો પ્રચાર-પ્રસારની જરૂર નથી પણ જે લોકો મત આપવા નીકળતા નથી એમના નામ છાપો અને તેઓ રાષ્ટ્રની લોકશાહી પરંપરાના વિરોધી છે એવું લખો. તમે દર ચૂંટણીમાં ખાસ મતદાન માટે જ ભુજ આવો છો એ પાછળ કોઈ કારણ ખરું ? એવા પ્રશ્નનો વિસ્તારથી ઉત્તર વાળતાં શ્રી સરદારે સમજાવ્યું, ઓમાનમાં `ઈન્ડિયન સોશિયલ ક્લબ' છે જેના તેઓ 17 વર્ષ સુધી જનરલ સેક્રેટરી રહ્યા અને 2005થી વાઈસ ચેરમેન છે. આ સંગઠનમાં કુલ 27 વિંગ છે. અર્થાત કચ્છી, ગુજરાતી, આસામી, પંજાબી, તેલંગાણા, તામિલ એમ દેશના જે-જે પ્રાંતના લોકો ઓમાનમાં કર્મ અર્થે વસે છે તેઓની વિંગ. દેશના તમામ તહેવારો ઓમાનમાં આ સંગઠનના નેજા હેઠળ ઊજવાય. કચ્છી નવું વર્ષ તમિલ, આસામી, કેરળ, મણિપુરવાસી પણ ઊજવે અને પોંગલ કે વસંત પંચમીમાં કચ્છી પણ જોડાય. `િમની ભારત' ઓમાનમાં છે અને જ્યારે વતનથી દૂર હોઈએ ત્યારે વતનની મહત્ત્વતા સમજાય. બસ તેથી હું મારું ભારતીયપણું સાબિત કરવા, એ ભારતીયતા ટકી રહે એ માટે ગણતરીના કલાકો માટે પણ ભુજ આવું, આવું અને આવું. ઓમાન જ નહીં વિશ્વના અનેક દેશોમાં ભારતીયો વસે છે. તેઓને જ્યાં સુધી અન્ય રાષ્ટ્રના નાગરિક નથી થયા, મત આપવા મળે છે. મને ઓમાનમાં 44 વર્ષ થયા, નાગરિકત્વ મળતું હતું પણ મત આપવાનું બંધ ન થાય એટલે મેં એ નાગરિકત્વ જતું કર્યું. મત આપવું એ મોટી દેશસેવા છે. કારણ કે એક મતના માધ્યમથી તમે દેશની સરકાર કોણ ચલાવશે તે પસંદ કરો છો. `નોટા' ન હોવું જોઈએ પણ મત ફરજિયાત હોવો જોઈએ અને બિનનિવાસી ભારતીય જ્યાં બેઠો હોય ત્યાંથી ભારતમાં પોતાનો મત આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવાય તેવી રજૂઆત તેમણે ઓમાન આવેલા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ પાસે કરી હતી પણ કંઈ થયું નહીં તેથી હું ફરી રૂબરૂ આવી ગયો. `ઈન્ડિયન સોશિયલ ક્લબ ઓમાન' ઓમાનમાં બેઠે દેશની ચિંતા કરે છે. કચ્છનો ભૂકંપ હોય, તામિલનાડુની સુનામી, લાતુરનો ભૂકંપ, કેરળનો વરસાદ બધા જ વખતે દેશસેવાના ઉદ્દેશ સાથે અમે સેવામાં પહોંચ્યા. કારણ કે ભલે એન.આર.આઈ. છીએ પણ અમારું દિલ તો હિન્દુસ્તાની જ છે ! એક એન.આર.આઈ. વતનથી દૂર બેસીને પોતાના દેશ માટે શું કરી શકે ? એ પ્રશ્નનો અણધાર્યો જ જવાબ આપતાં આ રાષ્ટ્રપ્રેમીએ કહ્યું કે, `તમે કદી ઈટાલી ગયા છો ? વાંચ્યું છે ઈટાલી વિશે ? ત્યાં કોના નામના રસ્તા, સર્કલ છે એ જઈને જુઓ. જો એક ઈટાલિયન એન.આર.આઈ. ભારતમાં રહીને ઈટાલી માટે આટલું કરે તો કરોડો ભારતીય એન.આર.આઈ.એ ભારત માટે શું એક મત પણ આપવા આવવું ન જોઇએ ?

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer