ટોચના ક્રમના બેટધરોની નબળી રમતનાં કારણે હાર મળી : ધોની

બેંગ્લુરુ, તા.22: વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ફિનિશર ગણાતા એમએસ ધોનીએ આઇપીએલની ગઇકાલની મેચમાં આરસીબી વિરૂધ્ધ 84 રનની દિલધડક અણનમ ઇનિંગ રમી હતી, પણ આખરી બોલ પર તે સિંગલ રન લેવામાં નિષ્ફળ રહ્યો હતો, આથી ચેન્નાઇને હાર સહન કરવી પડી હતી. આથી 2014 બાદ સીએસકે સામે આરસીબીનો પહેલો વિજય નોંધાયો હતો. ચેન્નાઇને આખરી ઓવરમાં જીત માટે 26 રનની જરૂર હતી, ધોનીએ પ દડામાં 24 રન કરી લીધા હતા. આખરી દડા પર જીત માટે બે રન અને ટાઇ માટે એક રનની જરૂર હતી, પણ ઉમેશ યાદવના સ્લો બોલ પર ધોની થાપ ખાઇ ગયો હતો અને ચૂકી ગયો હતો, આમ છતાં ધોનીએ બાયનો રન લેવાનો પ્રયાસ કર્યો હતો, પણ સામા છેડા પરનો શાદુલ ઠાકુર પાર્થિવના સીધા થ્રોથી રન આઉટ થયો હતો. જેથી આરસીબીની 1 રને રોચક જીત થઇ હતી. મેચ બાદ ધોનીએ સ્વીકાર્યું કે અમે મેચને રોમાંચક બનાવી, પણ અંતમાં જીત મળી નહીં. અમારા ટોચના બેટધરોએ જવાબદારીથી રમવાની જરૂર છે. પિચ થોડી ધીમી હતી, આથી નવા બેટધરો માટે સેટ થવું મુશ્કેલ હતું. ધોનીએ તેના બોલર અને ફિલ્ડરોની પ્રશંસા કરી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer