ભુજમાં મહિલા સંસ્થાના સહયોગથી સેવાયજ્ઞનું કરાયેલું આયોજન

ભુજમાં મહિલા સંસ્થાના સહયોગથી  સેવાયજ્ઞનું કરાયેલું આયોજન
ભુજ, તા. 22 : જૈન સેવા સંસ્થા `નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર'ના  ઉપક્રમે `શ્યામ મહિલા મંડળ', છ કોટી જૈન સંઘ ભુજના સહયોગથી ભુજમાં માનવસેવા, જીવદયા, દર્દીઓની સેવારૂપ યજ્ઞનું આયોજન કરાયું હતું. પ્રોજેક્ટ ચેરમેન વિજય મહેતાના જણાવ્યા પ્રમાણે પ્રથમ ચરણમાં પ્રભાતે ગૌવંશને રોટલા-ઘાસચારો, શ્વાનોને લાડુ, પક્ષીને ચણ અને દીન-દુ:ખિયા માનવોને પૌષ્ટિક અલ્પાહાર કરાવાયો હતો. આગળના ચરણમાં સંસ્થાના કાર્યકરો સાથે, મહિલા મંડળના 30 કરતા પણ વધારે બહેનોએ જનરલ હોસ્પિટલમાં સારવાર લેતા 300 દર્દીઓની મુલાકાત લઈ તેમની સંભાળ લીધી હતી અને કાળઝાળ ગરમીમાં રાહત મળે તે માટે તમામ દર્દીઓને, ગ્લુકોન-ડીના પેકેટ સાથે દેશી ઘીનો શીરો, બિસ્કિટ પેકેટ આદીનું વિતરણ કર્યું હતું. વયસ્ક બેસહારા દર્દીને સ્વહસ્તે ભોજન કરાવી, તમામ દર્દીઓ જલ્દી સાજા થઈ જાય તેમજ જગતના તમામ જીવો સુખી થાય તે માટે મંત્રાધિરાજ નમસ્કાર મહામંત્રના જાપ સાથે પ્રાર્થના કરાઈ હતી. સંસ્થાના પ્રમુખ વી.જી.મહેતાએ સંસ્થાના ઉપક્રમે ચાલતી વિવિધ સેવા પ્રવૃત્તિની માહિતી આપી હતી. સી.સી. જોશી, રાજેશ સંઘવી, અરુણ પારેખ, દિનેશ મહેતા, સતીષ ભાટિયા તથા મહિલા મંડળના કલાબેન શેઠ, હંસાબેન મહેતા, પ્રભાબેન દોશી, નીમુબેન દોશી, જ્યોતિબેન મહેતા, જ્યોતિબેન શેઠ વિ. 30 કરતા વધારે સભ્યો જોડાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer