મેરાઉમાં ધ્વજવણજ યજ્ઞ યોજાયો

મેરાઉમાં ધ્વજવણજ યજ્ઞ યોજાયો
દેવપુર-ગઢ (તા. માંડવી), તા. 22 : નેક-ટેક અને માતંગીશાત્ર મુજબના નિયમોથી વ્રતધારી જગશી હીરજી ખાંખલાએ છમાઇયા બાદ `ધ્વજવણજ' મહાયજ્ઞ કરતા મહેશ્વરી સમાજના પીર માતંગ નારાયણદેવ લાલણની હાજરીમાં સમસ્ત નાત, ગત, ગુર અને મેરાઉમાં ધર્મપ્રેમીઓની હાજરીમાં વણજારાનું બિરુદ આપવામાં આવ્યું હતું. બે દિવસીય ધાર્મિક કાર્યક્રમની ઉજવણીમાં ગામની તમામ જ્ઞાતિ, ધર્મના લોકો જોડાયા હતા. જગશી હીરજી ખાંખલા (જગુભાઇ)એ પથારીગુર વણજારા દામજી લધુભાઇ લાલણના જ્ઞાનબોધ સાથે ગણેશ મંદિર ખાતે આદરેલા `છમાઇયા' વ્રતની ઉજવણી પ્રસંગે `ધ્વજવણજ' કાર્યક્રમ યોજાયો હતો. મુસ્લિમ ખેડૂત મલિકભાઇના ખેતરમાં બંધાયેલા શમિયાણામાં તમામ કાર્યક્રમો યોજાયા હતા. મહાયજ્ઞના પ્રરંભે નારાયણદેવ માતંગ અને પંજહથ્થાપીર માંયાદાદા માતંગને ગામના પાદરેથી ગણેશ મંદિર સુધી સામૈયાથી આવકાર અપાયો હતો. દાતા લક્ષ્મીચંદ કુંવરજી દેઢિયાએ ધર્મગુરુઓની વંદના કરી હતી. પીરના હસ્તે ધર્મ ધ્વજસ્થંભનું રોપણ કરાયું હતું. રાત્રે ભીમજી દામજી મતિયા, માતંગ પચાણ આતુ માદે અને માતંગ ધર્મગુરુઓ દ્વારા મામૈદેવની આગમવાણી અને માતંગીશાત્રનું જ્ઞાનકથન કરાયું હતું. `ધ્વજવણજ' પ્રસંગે કચ્છના રાજવી પરિવાર વતીથી નલિયાના ઇન્દ્રજિતસિંહ જાડેજા, ચંદુમા, માંડવી તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખ રમેશભાઇ ચંદે, ધારાસભ્યો વીરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, તાલુકા પંચાયતના અધ્યક્ષા ગંગાબેન સેંઘાણી, જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન નરેશભાઇ મહેશ્વરી, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરેશભાઇ મહેશ્વરી સહિતના રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનોનું `ધ્વજવણજ' સન્માન કરાયા બાદ બપોરે મહાપ્રસાદ યોજાયો હતો. સમિતિના ઉપપ્રમુખ લક્ષ્મીચંદભાઇ ફુફલની પ્રેરણાથી જરૂરિયાતમંદોને ભોજન કરાવાયું હતું. સમિતિના પ્રમુખ મંગલભાઇ ખાંખલાના નેજા હેઠળ મહામંત્રી ધનજી બડિયા, મંત્રી કરમશી ધેડા, શિવજીભાઇ સૂંઢા, કેશવજી રોશિયા, કાંતિભાઇ પિંગલસુર, બાબુલાલ, જેન્તીલાલ, પ્રકાશકુમાર અને રમેશ ખાંખલા સહિતના યુવાનોએ સહયોગ આપ્યો હતો. સરપંચ ગંગાબેન વાસાણી, વિવિધ સમાજના પ્રમુખ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મહેન્દ્ર અબચુંગે જ્યારે આભારવિધિ `ધ્વજવણજ' સમિતિના મહામંત્રી પ્રેમકુમાર ખાંખલાએ કર્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer