વાર્તાના સર્જકની કલમ નિખારવા મંતવ્ય રજૂ કરવાનો નવતર પ્રયોગ

ભુજ, તા. 22 : અહીંની વાર્તાવિહાર સાહિત્ય સભાની બેઠકમાં નવતર પ્રયોગની શરૂઆત કરાઈ હતી. જેમાં કચ્છમિત્રની `લાઘવ' કટારના લેખિકા અરુણા ઠક્કરની વાર્તા તંગદિલીની પઠનની દરેક સભ્યોએ પૂર્વતૈયારી કરી બેઠકમાં મંતવ્યો આપ્યા હતા. વાર્તાવિહાર સાહિત્ય સભાની છઠ્ઠીબારી મહિલા મંડળ ખાતે મળેલી બેઠકમાં પ્રમુખ રમીલાબેન મહેતાએ દરેક સભ્યોની અખબારો કે મેગેઝિનમાં છપાઈ હોય તે વાર્તા કે લઘુકથા વિશે દર મહિનાના ત્રીજા મંગળવારે હાજર દરેક સભ્યોએ મંતવ્ય આપવા જેથી સર્જકની કલમ વધારે નિખરે એમ જણાવી ઉમેર્યું હતું કે, `તંગદિલી'માં પાત્રની મનોદશા આત્મહત્યા તરફ શા માટે વળી ગઈ ? એ માટે બે-ચાર વાક્યમાં સ્પષ્ટીકરણ કરાયું હોત તો વાર્તા રોચક બની શકી હોત. પુષ્પાબેન વૈદ્યએ મંતવ્ય વ્યક્ત કર્યું કે વાર્તા (લઘુકથા) સાંગોપાંગ તેના માળખા મુજબ રજૂ કરાઈ છે. અંત પણ સચોટ છે છતાં હજુ ક્યાંક શું ખૂટે છે તે અંગે સર્જક કહેશે તો અમારા મંતવ્ય સાર્થક થશે. દીના ભુડિયાએ વાર્તાની રજૂઆત અને પ્રસંગ નિરૂપણની વાતને વખાણી હતી. પૂજન જાનીએ લઘુકથામાં કે વાર્તામાં ક્યાંય એક પણ શબ્દ ન વેડફાવો જોઈએ એવું જણાવી એ વા.ર. ન હોત તો પણ ચાલત એમ જણાવ્યું હતું. પ્રતિમા સોનપાર, રૂપલ મહેતા, પૂર્વિ બાબરિયાએ પણ મંતવ્ય રજૂ કરી નવતર પ્રયોગની સરાહના કરી હતી. નગર અધ્યક્ષા લતાબેન સોલંકીએ વાર્તાના અંતને વખાણ્યો હતો. કમલાબેન ઠક્કર અને એકતાબેન સોની ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer