નેત્રામાં જૂના બોર બંધ નહીં થાય તો ખેડૂત આંદોલનની ચીમકી

વડાલી (જિ. સાબરકાંઠા), તા. 22 : નખત્રાણા તાલુકાના નેત્રામાં 1990માં ગુજરાત સરકારના પાણી પુરવઠા ખાતા દ્વારા 25થી 30 બોર બનાવાયા છે જે 24 કલાક ચાલુ હોવાથી ખેડૂતોના બોર બંધ પડી જતાં ખેતી કરવા સામે સવાલ ઊભો થયો છે. સરકાર દ્વારા નવા બોર બનાવાશે કે જૂના બોર બંધ નહીં કરાય તો ખેડૂતો આંદોલન કરશે તેવી ચીમકી મુખ્યમંત્રીને નેત્રા ગ્રામ વિકાસ મંડળે આપી છે. નેત્રા વિકાસ મંડળના પ્રમુખ ટ્રસ્ટી પટેલ જીવરાજભાઇ ધનજીભાઇ નાકરાણી (હાલે વડાલી)એ જણાવ્યું હતું કે, તા. 19/1/90ના નેત્રાના આગેવાનોની રજૂઆતને પગલે ગાંધીનગરના ઇજનેરોએ તપાસ કરી પાતાળમાંથી વધારે પાણી ખેંચી શકાય નહીં તેવો અહેવાલ આપ્યો હતો. તત્કાલિન પાણી પુરવઠામંત્રી ઠાકોરભાઇ નાવિકે હવેથી નેત્રાની જમીનમાં મંજૂરી વગર કોઇ નવો બોર કરવો નહીં તેવા મનાઇ હુકમ કર્યા હતા. શ્રી નાકરાણીએ વધુમાં જણાવ્યું કે, નર્મદાની લાઇન નેત્રા થઇને જાય છે તેમાંથી નેત્રાને પાણી મળતું નથી. જો કે પાણી આવતું પણ નથી. નેત્રાના બોરનું પાણી નર્મદા લાઇનમાં નખાય છે અને પા.પુ. અધિકારીઓ નર્મદાનું પાણી હોવાનું લખપત-અબડાસા તાલુકાને જણાવે છે. મુખ્યમંત્રી અને પા.પુ. બોર્ડને ખેડૂત આંદોલન કરશે અગર આત્મવિલોપન કરશે તેવી ચીમકી શ્રી નાકરાણીએ આપતાં મુખ્યમંત્રીએ ભુજ અને સાબરકાંઠાના ડીએસપીને તેમને આવું ન કરવા સમજાવવા જણાવ્યું. બોર બંધ કરવા કોઇ પગલાં લેવાને બદલે નખત્રાણા પોલીસ સ્ટેશનથી નોટિસ આવે છે તમારું નિવેદન લેવું છે. ન્યાય આપવાને બદલે આવી રીતે ધમકાવાય છે તેવો જીવરાજભાઇએ પત્રમાં આક્ષેપ કર્યો હતો.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer