કચ્છવાસીઓને લોકશાહી પર્વમાં જોડાવા કચ્છ ભાજપ પ્રમુખનો અનુરોધ

ભુજ, તા. 22 : લોકશાહી મહાપર્વની પૂર્વ સંધ્યાએ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે કચ્છવાસીઓને મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લઈ દેશનું ઉજ્જવળ ભવિષ્ય નિર્ધારિત કરવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. મત એ લોકોની મહામુલી થાપણ છે તેનો વિવેકસભર ઉપયોગ કરવો એમાં જ દેશ અને દેશવાસીઓનું ખરું હિત રક્ષાયેલું છે. લોકો તરફથી લોકશાહીના વ્યવસ્થાપનને અપાતું મોટું દાન એ મતદાન છે. ત્યારે સૌ મતદાતા મતદાનરૂપી વિશેષાધિકારનો અચૂકપણે ઉપયોગ કરવો જ રહ્યો તેવું શ્રી પટેલે ઉમેર્યું હતું. કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઈએ કચ્છના સર્વે મતદાતાઓને અનુલક્ષીને અપીલ કરતાં જણાવ્યું હતું કે, મંગળવારે સમગ્ર કચ્છના મતદાતાઓ હોંશપૂર્વક મતદાન પ્રક્રિયામાં ભાગ લે અને લોકશાહીની ઈમારતને મજબૂતી બક્ષે. જિલ્લાના યુવા મતદારોને અપીલ કરતાં જણાવ્યું કે યુવાનોની એ ફરજ બની રહે છે કે પોતાની આસપાસ કે જાણ પિછાણમાં કોઈ પણ કુટુંબ મતદાનથી બાકાત ના રહે. સમગ્ર કચ્છમાં ક્યાંય પણ મતદાનકેન્દ્ર કે મતદારક્રમાંક શોધવામાં મુશ્કેલી હોય તો 99250 09173 અથવા 97249 28849 કચ્છ જિલ્લા ભાજપના હેલ્પલાઈન નંબર પરથી જરૂરી માહિતી ઉપલબ્ધ થઈ શકશે તેવું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા સહઈન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer