ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામ અંગે જિ.પં.ના પરિપત્રનો પૂર્વ ધારાસભ્ય દ્વારા વિરોધ

વરાડિયા (તા. અબડાસા), તા. 20 : જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામને લગતા બહાર પડાયેલા પરિપત્રનો પૂર્વ ધારાસભ્ય ઈબ્રાહીમ મંધરાએ વિરોધ કરતાં ડીડીઓને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે જીડીસીઆર-2017ના નિયમો સરળતાથી સામાન્ય લોકોને સમજાય તે માટે આયોજન કરવું જોઈએ. પૂર્વ ધારાસભ્યે જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં તપાસ કરતાં જાણવા મળ્યું છે કે અન્ય કોઈ જગ્યાએ આ પ્રકારનું કોઈ પણ પરિપત્ર બહાર પડાયો નથી. જીડીસીઆર-2017 પહેલાં બિનખેતી થયેલી જમીનોના નક્શાઓ જે-તે વખતના નિયમો અને અને જે-તે વિસ્તારના નિયમો ધ્યાનમાં રાખી અને એ મુજબ આયોજન કરીને રાખવામાં આવ્યા હશે પરંતુ આ નવા પરિપત્રના લીધે અગાઉ બિનખેતી જમીનોને ફરીથી નવા નિયમ મુજબ બિનખેતી કરાવી પડે તેવી પરિસ્થિતિ સામાન્ય લોકો માટે ઊભી થઈ છે. આ પરિપત્રમાં જણાવ્યા મુજબ બિનખેતીમાં બાંધકામ માટે હવે જિલ્લા પંચાયત દ્વારા નિમણૂક કરવામાં આવેલા એન્જિનીયર દ્વારા જ પ્લાન સર્ટિફાઈડ કરાવ્યા બાદ જ આ અંગેની અરજી ફી તાલુકા પંચાયતમાં ભરી ત્યારબાદ અરજી કરી તાલુકા પંચાયત દ્વારા હકારાત્મક અભિપ્રાય મળ્યેથી ગ્રામ પંચાયત હકારાત્મક અભિપ્રાય આપી શકે. અબડાસા-નખત્રાણા-લખપત વિસ્તારના લોકોને આ નકશા મંજૂર કરાવવા માટે ભુજ જવું પડે કારણ કે સ્થાનિકે કોઈ એન્જિનીયર છે જ નહીં વળી માત્ર ભાડા અધિકૃત એન્જિનીયર જ આ કામ કરે એટલે આ માટે ફીનો ખર્ચ પણ વધવાનો જ તેવું શ્રી મંધરાએ જણાવ્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer