-ને કુખ્યાત આરટીઆઈ કાર્યકર્તાને બ્લેકમેઈલિંગનો પ્રયાસ ભારે પડયો

ભુજ, તા. 22 : કેટલાક જનસંપર્ક ધરાવતા સરકારી વિભાગોમાં માહિતી અધિકાર અને મીડિયાકર્મી હોવાના અંચળા હેઠળ અવારનવાર તંત્રોને બ્લેકમેઇલિંગ કરવાની ફરિયાદ ઊઠી છે. તો સામે સતત કંટાળાથી ત્રાસેલા સરકારી વિભાગો હવે આવી ધાકધમકી કે બ્લેક મેઇલિંગને તાબે ન થઇને પોલીસ મથકે પહોંચતા આવા બ્લેક મેઇલર તત્ત્વોને ફટકો પડયો છે. જાણકાર વર્તુળોના કહેવા અનુસાર સુધરાઇ, જંગલ, બાંધકામ, આરોગ્ય જેવા અનેક વિભાગોમાં ચોક્કસ વ્યક્તિઓ જ એક પછી એક માહિતી અધિકાર હેઠળ પ્રશ્નો પૂછ્યા બાદ તેલ અને તેલની ધાર જોઇને હથોડો ઝીંકે છે. સોશિયલ મીડિયામાં ગર્ભિત ઈશારા સાથે ધમકીએ અપાય છે. લાગે તો તીર નહીં તો તુક્કો તેમાંયે જો સામે ખરેખર કોઇ?ભ્રષ્ટ હોય તો આવા માહિતી અધિકારનો ઝંડો લઇને ફરતા તત્ત્વો તેને ખંખેરવાની કોશિશ કરે છે. થોડા દિવસ પૂર્વે એક કચેરીમાં એક કુખ્યાત બ્લેકમેઇલરે માહિતી અધિકાર હેઠળ જાળ નાખીને દાદાગીરીનો પ્રયાસ કરતાં સત્તાવાળા શેરને માથે સવા શેર નીકળતાં કચેરીએ પોલીસને અરજી કરીને તેના પર કેસ કરાવતાં આ ઇસમ હેબતાઇ ગયો હોવાનું જાણવા મળે છે. આવા તત્ત્વોને ખુલ્લા પાડવા વધુ લોકો કાયદાનું શત્ર અજમાવવા સક્રિય બની રહ્યા હોવાનું જાણવા મળે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer