કાયદો બધા માટે સરખો : પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્ની, સાસુ-સસરાને ત્રણ વર્ષની સજા

ભુજ, તા. 22 : સામાન્ય રીતે પતિ અને સાસુ-સસરાના ત્રાસથી પત્ની આત્મહત્યા કરતી હોવાના બનાવો વધુ પ્રકાશમાં આવતા હોય છે. આમ છતાં કયારેક આનાથી વિરુદ્ધ એટલે કે ઊલટી ગંગા વહી હોય તેવા કિસ્સા પણ સામે આવતા હોય છે. પરંતુ કાયદો બધા માટે સરખો જ છે, તેની પ્રતીતિ કરાવતો ચુકાદો આવ્યો છે. પત્ની, સાસુ-સસરાના ત્રાસથી પરેશાન બની યુવાને 2013ની સાલમાં આત્મહત્યા કરી લીધી હતી. આ સંદર્ભે ભુજની અદાલતે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. જેમાં પત્ની, સાસુ-સસરાને ત્રણ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે. આ સમગ્ર કેસની વિગત મુજબ છ વર્ષ પૂર્વે એશિયન મોટર્સમાં ઈલેકટ્રીકલ ઈજનેર તરીકે કામ કરતા મૂળ સુરતના 24 વર્ષીય પાર્થ રાજેન્દ્ર હાડવૈદ્ય તા. 23-9-13ના ભુજના પ્રમુખ સ્વામીનગર, ઓધવ એવન્યૂ-2ના મકાન નં. 348/ડીમાં સવારે મકાનના એંગલમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. મૃતક પાર્થને તેની પત્ની હિનાબેન સાથે અણબનાવ હોવાથી આરોપી એવા તેની પત્ની હિનાબેન તેમજ સાસુ કમલાબેન ઉર્ફે ચંદાબેન મહેશભાઈ સાંભરે તથા સસરા મહેશભાઈ કિસનરાય સાંભરે (રહે. બધા મણિનગર, અમદાવાદ) છુટાછેડા બાબતે ખોટી માગણી કરી પાર્થને પરેશાન કરતા હતા. બનાવના દિવસે તા. 23/9/13ના આરોપીઓ ધકબુશટનો માર મારી અતિશય ત્રાસ આપી આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરતાં તેણે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ અંગેનો કેસ ભુજમાં ચોથા અધિક સેશન્સ જજ એમ.એમ. પટેલની કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે 12 દસ્તાવેજી પુરાવા અને 12 સાહેદોને તપાસી તમામ આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂા. પાંચ હજાર દંડ અને દંડ ન ભરે તો બે માસની સાદી કેદ તેમજ દરેક આરોપીદીઠ રૂા. 25 હજાર એટલે કે કુલ રૂા. 75 હજાર મૃતક પાર્થની માતાને વળતર પેટે ચૂકવવાનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. આ કેસમાં સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકીલ પી.વી. વાણિયાએ હાજર રહી દલીલો કરી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer